3.77 લાખ રૂપિયા વસૂલી એજન્ટે ફ્લાઈટની બનાવટી ટિકિટ પકડાવી

થાણે: ઈન્ટરનૅશનલ ફ્લાઈટની ટિકિટ્સ કઢાવી આપવાને બહાને ટ્રાવેલ એજન્ટના સ્વાંગમાં મીરા રોડના યુવાને 3.77 લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
ફરિયાદમાં જણાવાયા મુજબ રાજસ્થાનના સિલચરનો વતની 32 વર્ષનો ફરિયાદી એક મિત્રની ઓળખાણથી આરોપીના પરિચયમાં આવ્યો હતો. આરોપીએ ઈન્ટરનૅશનલ ઍરલાઈન્સની ફ્લાઈટમાં ફરિયાદીના બે સગાને નોકરી માટે વિદેશ મોકલવા ટિકિટની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી.
આપણ વાંચો: ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક સાથે 1.47 કરોડની છેતરપિંડી: ત્રણ સામે ગુનો
આરોપીએ ફરિયાદી પાસેથી નાણાં લીધાં પછી બે ટિકિટ આપી હતી. તપાસ દરમિયાન એ ટિકિટ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું, એવું મીરા રોડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
ટિકિટ અંગે ફરિયાદીએ આરોપીનો સંપર્ક સાધતાં તેણે અગાઉ ખોટાં વચનો આપ્યાં હતાં. બાદમાં ફરિયાદીનો નંબર બ્લૉક કરી દીધો હતો. આ પ્રકરણે ફરિયાદને આધારે પોલીસે 15 ઑગસ્ટે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)