પાકિસ્તાન માટે જાસૂસી: રવિ વર્માએ નૌકાદળનાં 14 જહાજ-સબમરીનના સંવેદનશીલ ડૅટા પાકિસ્તાની એજન્ટને શૅર કર્યા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ) દ્વારા ધરપકડ કરાયેલા થાણેના જુનિયર એન્જિનિયર રવિ વર્માની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. હની-ટ્રેપમાં ફસાયેલા રવિ વર્માએ 14 અલગ અલગ ભારતીય યુદ્ધ જહાજો તેમ જ સબમરીન સંબંધી સંવેદનશીલ ડૅટા પાકિસ્તાની એજન્ટોને શૅર કર્યા હતા.
27 વર્ષનો રવિ વર્મા ડિફેન્સ ટેક્નોલોજી કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે કામ કરતો હતો અને કંપનીના કર્મચારી તરીકે તે દક્ષિણ મુંબઇના નેવલ ડોકયાર્ડમાં પ્રવેશી શકતો હતો. વર્મા નૌકાદળના જહાજો પર કામ કરતો હતો. નેવલ ડોકયાર્ડમાં મોબાઇલ પર પ્રતિબંધ છે એ જાણતો હોવા છતાં વર્મા યુદ્ધ જહાજો અને સબમરીન પર કામ કરતી વખતે કામગીરી તથા અન્ય તકનીકી વિગતો યાદ રાખતો હતો.

ડોક છોડ્યા બાદ અને મોબાઇલમાં એક્સેસ મેળવ્યા બાદ વર્મા વ્હૉટ્સઍપ દ્વારા પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓપરેટિવને લેખિત સ્વરૂપમાં અથવા તો વોઇસ નોટ્સ દ્વારા માહિતી મોકલતો હતો. વર્મા પાકિસ્તાની એજન્ટ પાયલ શર્મા તેમ જ ઇસ્પ્રીતના ફેસબૂક અકાઉન્ટ પર સંવેદનશીલ માહિતી મોકલતો હતો, એવું જાણવા મળ્યું હતું.
વર્માને પાકિસ્તાની એજન્ટ દ્વારા હની-ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો, જેણે પોતાની ઓળખ પ્રીતિ જયસ્વાલ તરીકે આપી હતી. મહિલાએ નવેમ્બર, 2024માં વર્મા સાથે ઓનલાઇન મિત્રતા કેળવી હતી અને નૌકાદળના યુદ્ધ જહાજોના કાર્ય તેમ જ આંતરિક ગોઠવણીમાં ઊંડો રસ દાખવ્યો હતો. મહિલાએ યુદ્ધ જહાજો અને સબમરીન સંબંધિત પ્રોજેક્ટ પર કામ કરવાનો દાવો કર્યો હતો અને આ બહાના હેઠળ વર્માની મદદ માગી હતી. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પ્રત્યક્ષ મળીશું, એવી લાલચ તેને આપવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર વર્મા સાથે મિત્રતા કેળવ્યા બાદ પાકિસ્તાની એજન્ટે તેને લલચાવવા માટે તેના બૅંક ખાતામાં રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા. મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યાનો વર્મા ઘરમાં એકલો જ કમાતો હતો. વર્માએ પોતે ટીબીથી પીડાતો હોવાનો દાવો તેની માતાને કર્યો હતો. માતા થોડા મહિલા અગાઉ થાણેમાં રહેવા આવી હતી.
ઉલ્લેખનીય છે કે એટીએસના થાણે યુનિટના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે બુધવારે વર્મા સહિત ત્રણને કસ્ટડીમાં લીધા હતા. ત્રણેય વિરુદ્ધ ઓફિશિયલ સિક્રેટ એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. પોલીસે બાદમાં વર્માની ધરપકડ કરી હતી, જ્યારે બાકીના બે જણને પૂછપરછ બાદ જવા દેવાયા હતા
મારો પુત્ર નિર્દોષ છે, તેને મુક્ત કરવો જોઇએ: રેખા વર્મા
પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓપરેટિવને સંવદેનશીલ માહિતી પૂરી પાડવાના આરોપસર રવિ વર્માની એટીએસે ધરપકડ કર્યા બાદ તેની માતા રેખા વર્મા પુત્રની વહારે આવી છે. રેખાએ જણાવ્યું હતું કે મારો પુત્ર નિર્દોષ છે. તેને મુક્ત કરવો જોઇએ. મારા પુત્રએ કશું ખોટું કર્યુ નથી, તેણે ફેસબૂક બંધ કરવાનું મને વચન આપ્યું હતું. પાકિસ્તાની એજન્ટોની દબાણ અને ધાકધમકીને કારણે તેણે આવું કૃત્ય કર્યું હતું.
રેખાએ કહ્યું હતું કે મારા પુત્રને પોલીસ પૂછપરછ માટે લઇ ગઇ ત્યારે મને કહેવાયું હતું કે પાસપોર્ટ સંબંધી કામ માટે તેને લઇ જવામાં આવી રહ્યો છે. જોકે મારા પુત્રને આખો દિવસ અટકાયતમાં રખાયો હતો અને સવારથી સાંજ સુધી તેનું નિવેદન નોંધવામાં આવ્યું. અમને કહેવામાં આવ્યું કે તેની પૂછપરછ ચાલી રહી છે. બાદમાં અમને જાણવા મળ્યું હતું કે તેને એટીએસ પોતાની સાથે લઇ ગઇ હતી અને બાદમાં તેની ધરપકડ કરાઇ હતી