સુધરાઈની ઊંઘ હવે ઊડી: 123 સ્કૂલમાં ૨,૮૩૨ CCTV કેેમેરા બેસાડવાની મંજૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બદલાપુરની ખાનગી શાળામાં ચાર વર્ષની બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મ બાદ જાગેલી મુંબઈ મહાનગરપાલિકાએ પોતાની શાળાઓમાં સીસીટીવી કેમેરા બેસાડવામાં હવે ઉતાવળ કરી રહી છે. હાલ પ્રાયોગિક ધોરણે શહેરની ૧૨૩ સ્કૂલમાં ૨,૮૩૨ સીસીટીવી કેમેરા બેસાડવામાં આવવાના છે, તે માટે કૉન્ટ્રેક્ટરની નિમણૂક કરવાની મંજૂરી પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ આપી દીધી છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ત્રણથી ચાર લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે અને સાડા સાત હજારથી વધુ શિક્ષકો છે. છતાં સ્કૂલમાં તેમની સુરક્ષા માટે સીસીટીવી કેેમેરા બેસાડવામાં આવ્યા નથી. પાલિકાની પોતાની માલિકીની ૪૭૯ બિલ્ડિંગ અને ૧,૧૪૭ સ્કૂલ છે, જેમાં કેમેરા બેસાડવા માટે ક્ધસલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. જોકે પહેલા તબક્કામાં મુંબઈ શહેરની સ્કૂલમાં પ્રાયોગિક ધોરણે સીસીટીવી બેસાડવામાં આવવાના છે.
ગયા વર્ષે સર્વેક્ષણ પૂરું કર્યા બાદ શહેરની ૧૨૩ સ્કૂલમાં સીસીટીવી બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે માટે પાંચ કૉન્ટ્રેક્ટરોએ રસ પર દર્શાવ્યો હતો, તેમાંથી એક પર પસંદગી ઉતારવામાં આવી છે. સ્કૂલ બિલ્ડિંગની ગરજને ધ્યાનમાં રાખીને કેમેરા બેસાડવામાં આવવાના છે. અગાઉ માર્ચ, ૨૦૨૪ સુધી કેેમેરા બેસાડવાનું કામ પૂરું કરવાનો લક્ષ્યાંક હતો. પરંતુ ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થયો હતો. આ દરમિયાન લોકસભાની ચૂંટણીને પગલે તમામ પ્રક્રિયા અટવાઈ ગઈ હતી. હવે વિધાનસભાની ચૂંટણી પહેલા સીસીટીવી બેસાડવાનું કામ પૂરું કરવાની યોજના છે.
નોંધનીય છે કે બદલાપુરની સ્કૂલની માફક જ ગયા વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની વિક્રોલી (પૂર્વ)માં ટાગોર નગરમાં આવેલી સીબીસી બોર્ડની સ્કૂલમાં કૉન્ટ્રેક્ટ પર રહેલા પીટી ટીચરે બીજા ધોરણમાં ભણતી બાળકીનું કથિત રીતે શારીરિક શોષણ કર્યું હોવાની શૉકિંગ ઘટના બહાર આવી હતી.
પાંચ વર્ષથી પ્રોજેક્ટ અટવાયો
વિદ્યાર્થીઓની સુરક્ષાનેે મુદ્દે મુંબઈ હાઈ કોર્ટે ફટકાર્યા બાદ પાંચ વર્ષ પહેલાં મુંબઈ મહાનગરપાલિકાએ સ્કૂલની બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા બેસાડવા માટે ૨૪ કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી. ત્યારબાદ શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે પણ સ્કૂલોમાં જલદી સીસીટીવી કેેમેરા બેસાડવામાં આવશે એવી જાહેરાત કરી હતી. પરંતુ પ્રોજેક્ટ અટવાઈ ગયો હતો.