પોલીસના સ્વાંગમાં ડૉક્ટરનું અપહરણ કરી રોકડ લૂંટી: પાંચ સામે ગુનો દાખલ…

થાણે: થાણે જિલ્લામાં પાલિકાની હોસ્પિટલના 35 વર્ષના ડૉક્ટરનું પોલીસના સ્વાંગમાં પાંચ જણે અપહરણ કર્યા બાદ તેને બંધક બનાવી બે લાખ રૂપિયા લૂંટી લીધા હતા.
ગયા સપ્તાહે આ ઘટના બની હતી અને કલવા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુરુવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 140 (2) (હત્યા અથવા ખંડણી માટે અપહરણ કરવું), 309 (4) (લૂંટ) તથા અન્ય જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓમાંનો એક જણ ડૉક્ટરને જાણતો હોઇ તેમણે કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાંથી 8 નવેમ્બરે ડૉક્ટરનું અપહરણ કર્યું હતું. ઇરફાન અઝગરઅલી નામનો આરોપી અન્ય ચાર સાથીદાર સાથે આવ્યો હતો અને તેમણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી.
તેમણે ડૉક્ટરને જબરજસ્તીથી વાહનમાં બેસાડ્યો હતો અને તેને નાશિક લઇ જવામાં આવ્યો હતો. આરોપીઓએ ડૉક્ટરને કરન્સીના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી અને બે લાખ રૂપિયા લૂંટી લીધા હતા. આરોપીઓએ ડૉક્ટર પાસે વધુ 12 લાખ રૂપિયાની માગણી કરી હતી.
ડૉક્ટર સાંજે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો અને વર્તકનગર વિસ્તારમાંના પોતાના ઘરે પહોંચ્યો હતો. બાદમાં તેણે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરાઇ નથી, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)
આ પણ વાંચો…થાણેના વેપારી સાથે 16.82 લાખની છેતરપિંડી: ચાર વિરુદ્ધ ગુનો…



