ડ્યૂટી બજાવનારા ટ્રાફિક પોલીસને ગોળીએ દેવાની ધમકી આપી
થાણે: ફરજ બજાવનારા ટ્રાફિક પોલીસને ગાળાગાળી કરી ગોળી મારવાની કથિત ધમકી આપીને બે જણ કારમાં ફરાર થઈ ગયા હોવાની ઘટના થાણેમાં બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની મધરાતે બે વાગ્યાની આસપાસ બની હતી. આ પ્રકરણે ટ્રાફિક કોન્સ્ટેબલ સચિન રાઠોડે (31) નોંધાવેલી ફરિયાદને આધારે ચિતળસર માનપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર મુંબઈ-નાશિક હાઈવે પર બે કાર શંકાસ્પદ રીતે પૂરપાટ વેગે દોડી રહી હોવાની માહિતી પોલીસ ક્ધટ્રોલ રૂમમાંથી મળી હતી. માહિતીને આધારે ફરજ પર હાજર રાઠોડ તેના સાથી દત્તાજી જાધવ સાથે એલર્ટ થઈ ગયો હતો.
રવિ સ્ટીલ પરિસરમાં હાજર રાઠોડની નજર તેજ ગતિએ આવનારી શંકાસ્પદ કાર પર પડી હતી. રાઠોડે ઇશારો કર્યા છતાં કાર રોકવાને બદલે ડ્રાઈવરે ઘોડબંદર રોડ તરફ પૂરપાટ દોડાવી મૂકી હતી. શંકાને આધારે રાઠોડે આ બાબતે ક્ધટ્રોલ રૂમને જાણ કરી બાઈક પર કારનો પીછો કર્યો હતો.
આ પણ વાંચો : લૂંટના કેસમાં એમસીઓસીએ હેઠળના આરોપીને થાણેની કોર્ટે નિર્દોષ છોડ્યા
કહેવાય છે કે ઘોડબંદર રોડ પર હિરાનંદાની મેડોઝ નજીક કારને રોકવામાં આવી હતી. કારમાં હાજર બે જણે રાઠોડને ગાળાગાળી કર્યા પછી ગોળીએ દેવાની ધમકી આપી હતી. રાઠોડની સૂચનાને અવગણી બન્ને જણ કાર સાથે ફરાર થઈ ગયા હતા.