થાણે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી:5.50 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ

થાણે: થાણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ 5.50 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને 38 વર્ષના યુવકની ધરપકડ કરી હતી.
યુવકની ઓળખ શનવર અનવર અલી તરીકે થઇ હોઇ તે પશ્ચિમ બંગાળનો વતની છે. શનવર અલી સામે કાપુરબાવડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.
થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-પાંચના અધિકારીઓને માહિતી મળી હતી કે ચરસ વેચવા માટે થાણેના સાકેત રોડથી બાળકુમ પાડા નંબર-3 વચ્ચે આવવાનો છે. આથી પોલીસ ટીમે શુક્રવારે બપોરના છટકું ગોઠવ્યું હતું અને શનવર અલીને તાબામાં લીધો હતો.
અલી પાસેની બેગની તલાશી લેવામાં આવતાં તેમાંથી દસ પેકેટ્સ અને કપડાં મળી આવ્યા હતા. ઉપરોક્ત પેકેટ્સમાં ચરસ મળી આવ્યું હતું, જેની કિંમત 5.50 કરોડ રૂપિયા થાય છે. એ સિવાય અલી પાસેથી અમુક રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળના વતની અલીનો સાથીદાર નેપાળી હોઇ તે પણ ડ્રગ્સની તસ્કરીમાં સંડોવાયેલો હોવાથી તેની શોધ ચલાવાઇ રહી છે. અલીએ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું અને તે કોને વેચવા માટે આવ્યો હતો, તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: જંગલમાં 11 વર્ષના છોકરાએ દીપડા સાથે બાથભીડવાનું સાહસ કર્યું: સ્કૂલ બેગે જીવ બચાવ્યો



