બાળકીના જાતીય શોષણના કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદ

થાણે: પાંચમા ધોરણમાં ભણતી બાળકીનું વારંવાર જાતીય શોષણ કરવાના કેસમાં થાણેની વિશેષ અદાલતે 35 વર્ષના આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
આરોપી ધોંડીરામ તુકારામ બનસોડેને સજા ફટકારતાં કલ્યણાના વિશેષ જજ (પોક્સો) વી. એ. પતરાવાલેએ અવલોકન કર્યું હતું કે જાતીય ગુનાના કેસમાં પીડિતાની જુબાની નોંધપાત્ર ભાર ધરાવે છે અને સમર્થક પુરાવાની ગેરહાજરીમાં પણ આત્મવિશ્ર્વાસ પ્રેરિત કરે છે.
આપણ વાચો: અમેરિકામાં ગુજરાતના પાટીદાર શખ્સનું કાળું કારનામું, માનવ તસ્કરી અને જાતીય શોષણના આરોપમાં ધરપકડ
કેસની સુનાવણી દરમિયાન વિશેષ સરકારી વકીલ ભામરે પાટીલ અને આર. આર. ભોઈરે બનસોડે વિરુદ્ધ આરોપ સિદ્ધ કરવા માટે 12 સાક્ષી તપાસ્યા હતા. ફરિયાદ પક્ષ અનુસાર બનસોડેએ પડોશમાં રહેતી અને પાંચમા ધોરણમાં ભણતી બાળકીનું વારંવાર જાતીય શોષણ કર્યું હતું. પીડિતાના પરિવારને આ અંગે 2016માં જાણ થઈ હતી.
બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે બે પરિવાર વચ્ચેના વિવાદને લઈ આ આરોપ કરાયા છે. એ સિવાય પોલીસ ફરિયાદ નોંધાવવામાં ત્રણ દિવસનો વિલંબ કરાયો હોવા તરફ પણ ધ્યાન દોર્યું હતું.
આપણ વાચો: સગીરાના જાતીય શોષણના કેસમાં માછીમારને 20 વર્ષની સખત કેદ
જોકે બાળકીના પરિવારજનો શરૂઆતમાં સામાજિક ભેદભાવના ભયથી ફરિયાદ કરવા માટે આગળ આવ્યા ન હોવાની ફરિયાદ પક્ષની દલીલને કોર્ટે માન્ય રાખી હતી.
આવા કેસમાં પીડિતાની જુબાની મહત્ત્વપૂર્ણ છે. પીડિતાની જુબાનીમાં આત્મવિશ્ર્વાસ દેખાય છે અને તે વિશ્ર્વસનીય પણ જણાય છે. તેથી જાતીય હુમલાની પીડિતાની એકમાત્ર જુબાની ધ્યાનમાં લઈ તેને આધારે સજા આપવામાં કોઈ મુશ્કેલી જણાતી નથી, એવું કોર્ટે નોંધ્યું હતું.
કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદ અને 12 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આવા કેસમાં સરકારની વળતરની સ્કીમ હેઠળ ભરપાઈ માટે પણ પીડિતા હકદાર હોવાનું કોર્ટે જણાવ્યું હતું. (પીટીઆઈ)



