2020માં પત્નીની હત્યા કરવા બદલ પતિને આજીવન કારાવાસની સજા

થાણે: થાણે જિલ્લાની કોર્ટે 2020માં પત્નીની હત્યા કરવા બદલ પતિને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. એડિશનલ સેશન્સ જજ વી. જી. મોહિતેએ બુધવારે આરોપી આકાશ મેઘજી કટુવા (29)ને નવેમ્બર, 2020માં પત્ની લક્ષ્મી કટુવાની હત્યા બદલ દોષી ઠેરવ્યો હતો અને તેને સજા ઉપરાંત 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
થાણેના કલવા પોલીસ સ્ટેશનમાં આકાશ કટુવા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો અને ઘટના બાદ તરત જ તેની ધરપકડ કરાઇ હતી. ત્યારથી તે કસ્ટડીમાં છે. કલવા વિસ્તારમાં રહેનારા આકાશનાં લગ્ન ઑક્ટોબર, 2018માં લક્ષ્મી સાથે થયાં હતાં.
એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર રશમી ક્ષીરસાગરે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી ઘરેલું બાબતોને લઇ તેની પત્નીને નિયમિત ત્રાસ આપતો હતો અને તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો.
આ પણ વાંચો: ₹10 લાખ ન ચૂકવવાના ત્રાસથી આદિવાસી શ્રમિકની આત્મહત્યા; કોન્ટ્રાકટર વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ
ઘટનાને દિવસે લક્ષ્મીએ પેટ્રોલ માટે પૈસા આપવાનો ઇનકાર કરતાં આકાશે પ્રેશર કૂકરનું ઠાંકણ લક્ષ્મીના માથામાં ફટકાર્યું હતું. બાદમાં નાના ચાકુથી લક્ષ્મીનું ગળું ચીરી નાખ્યું હતું અને તેના પર થિનર નાખી આગ ચાંપી દીધી હતી.
ક્ષીરસાગરે જણાવ્યું હતું કે આરોપી સામેના આરોપ પુરવાર કરવા માટે ફરિયાદી પક્ષના 13 સાક્ષીને ટ્રાયલ દરમિયાન તપાસવામાં આવ્યા હતા.
મેડિકલ ઓફિસરના મૌખિક પુરાવા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાંની વિગતો સ્પષ્ટપણે દર્શાવે છે કે લક્ષ્મીનું મૃત્યુ હત્યાકાંડ હતો. તેના ગળા પર તીક્ષ્ણ હથિયારથી કરાયેલા ઘા હતા અને બાકીની ઇજાઓ કઠણ વસ્તુથી થઇ હતી, જે તેના મૃત્યુનું કારણ બન્યા હતા. ઉપરાંત દાઝ્યાની ઇજાઓ એટલી ગંભીર હતી કે માત્ર એને કારણે જ તેનું મોત થયું હતું. એમ કોર્ટે જણાવ્યું હતું.
તપાસકર્તા પક્ષે સાબિત કર્યું છે કે આરોપીએ જ હત્યા કરી હતી. તપાસકર્તા પક્ષે આરોપીને શક્ય તેટલી કડક સજાની માગણી કરી હતી, પરંતુ કોર્ટે નોંધ્યું હતું કે આ કેસ મૃત્યુદંડ માટે જરૂરી ‘રેરેસ્ટ ઓફ રેર‘ શ્રેણીમાં આવતો નથી. (પીટીઆઇ)