વિશેષ કોર્ટે આઠ વર્ષની બાળકીની જાતીય સતામણી બદલ આરોપીને દોષી ઠેરવ્યો
પુરાવાના અભાવે બળાત્કારના આરોપમાં તેને નિર્દોષ જાહેર કર્યો

થાણે: થાણે જિલ્લાની વિશેષ કોર્ટે 2018માં આઠ વર્ષની બાળકીની જાતીય સતામણી બદલ આરોપીને દોષી ઠેરવ્યો હતો, પણ પુરાવાના અભાવે તેને બળાત્કારના આરોપમાં નિર્દોષ જાહેર કર્યો હતો.
પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટના કેસની સુનાવણી કરતા વિશેષ કોર્ટના જજ ડી.એસ. દેશમુખે આરોપી રમેશસિંહ વિજયબહાદુર સિંહને દોષી ઠેરવીને સાત વર્ષ અને બે મહિનાની સજા ફટકારી હતી, જે તેણે પહેલેથી જ ભોગવી છે. રમેશસિંહને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારાયો હતો.
આ પણ વાંચો: હત્યાના પ્રયાસના કેસમાં થાણે કોર્ટે 2 આરોપીને નિર્દોષ જાહેર કર્યા
જોકે કોર્ટે આરોપીને ભારતીય દંડસંહિતાની કલમ 376 (બળાત્કાર) અને પોક્સો એક્ટની કલમ 3 અને 4 (પેનેટ્રેટિવ સેકસ્યુઅલ અસોલ્ટ) હેઠળ નિર્દોષ જાહેર કર્યો હતો.
કાપુરબાવડી પોલીસ સ્ટેશનમાં 4 ઑગસ્ટ, 2018ના રોજ નોંધાયેલા કેસ અનુસાર 29 એપ્રિલ, 2018થી 6 મે, 2018 દરમિયાન આ ગુનો થયો હતો.
આ પણ વાંચો: મહિલા સાથે ક્રૂરતા: થાણે કોર્ટે પાંચ જણને નિર્દોષ છોડ્યા
વિશેષ સરકારી વકીલ રેખા હિવરાલેએ જણાવ્યું હતું કે બાવન વર્ષના આરોપી રમેશસિંહ સાર્વજનિક શૌચાલયમાં બાળકીની જાતીય સતામણી કરી હતી. બાળકીનો ભાઇ એ સમયે આરોપીને જોઇ ગયો હતો, જેને પગલે બાળકીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તપાસ દરમિયાન પોલીસે કપડાં જપ્ત કર્યાં હતાં. બાળકીનું બર્થ સર્ટિફિકેટ મેળવ્યું હતું. નિવેદનો નોંધ્યાં હતાં અને બાળકી તથા આરોપીની તબીબી તપાસ કરાવાઇ હતી. ઉપરાંત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ પણ એકત્રિત હતા.
(પીટીઆઇ)