પાંચ મહિનાના બાળકનું અપહરણ:બે મહિલા સહિત ત્રણ આરોપીને ત્રણ વર્ષની કેદ…

થાણે: થાણેની કોર્ટે પાંચ મહિનાના બાળકનું અપહરણ કરવા બદલ બે મહિલા સહિત ત્રણ જણને ત્રણ વર્ષની સખત કેદ ફટકારી હતી.એડિશનલ સેશન્સ જજ સૂર્યકાંત શિંદેએ આરોપીઓને ભારતીય ન્યાય સંહિતાની કલમ 137 (1) (બી) હેઠળ દોષી ઠેરવ્યા હતા.
ફરિયાદી મહિલા તેના પાંચ વર્ષના પુત્ર સાથે 12, ઑક્ટોબર, 2024ની રાતે રાબોડી ફ્લાયઓવર નીચે સૂઇ રહી હતી ત્યારે તેના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું.મહિલાએ આ પ્રકરણે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં લાલ રંગનો ડ્રેસ પહેરેલી મહિલા બાળકને લઇ જતી અને બાદમાં તેને અન્ય બે આરોપીને સોંપતી નજરે પડી હતી.
દરમિયાન પોલીસ ટીમે મળેલી માહિતીને આધારે રાબોડી વિસ્તારમાં રેઇડ પાડી હતી અને બાળકને છોડાવ્યો હતો. પોલીસે આ પ્રકરણે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી, જેમની ઓળખ જાવેદ અમજદઅલી ન્હાવી (35), જયશ્રી યાકુબ નાઇક (45) અને સુરેખા રાજેશ ખંડાગડે (34) તરીકે થઇ હતી.
જજે ડિજિટલ પુરાવા પર આધાર રાખ્યો હતો અને નોંધ્યું હતું કે જાવેદ ન્હાવીને થાણે, નવી મુંબઈ અને મુંબઈમાંથી તડીપાર કરવામાં આવ્યો હતો અને તેણે આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. તડીપાર કર્યો હોવા છતાં ન્હાવી થાણેમાં પ્રવેશ્યો હોવાથી તેને મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ વધારાની એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી. (પીટીઆઇ)
આ પણ વાંચો…બળાત્કારના કેસમાં આરોપી બેકસૂર:સહમતીથી સંબંધ હોવાનું કોર્ટે નોંધ્યું…



