લૂંટના કેસમાં એમસીઓસીએ હેઠળના આરોપીને થાણેની કોર્ટે નિર્દોષ છોડ્યા
થાણે: સશસ્ત્ર લૂંટના કેસમાં એમસીઓસીએ (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) હેઠળના ત્રણ આરોપીને થાણેની કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.
વિશેષ એમસીઓસીએ જજ અમિત શેટેએ નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષ આરોપીઓ સામેના આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હોવાથી તેમને શંકાનો લાભ આપવાની જરૂર છે.
કોર્ટે સેલ્વરાજ સુબ્રમણિયમ મુદલિયાર (45), જયરામ અચ્છેલાલ જયસ્વાલ (39) અને અનિલ જસરામ ચવ્હાણ (48)ને નિર્દોષ જાહેર કર્યા હતા, જ્યારે અન્ય બે આરોપી ખટલા દરમિયાન મૃત્યુ પામ્યા હતા અને તેમની સામેનો કેસ બંધ કરવામાં આવ્યો હતો. કોર્ટે ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખસને પણ ડિસ્ચાર્જ કર્યો હતો.
આ શખસો વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની સંબંધિત જોગવાઇઓ અને એમસીઓસીએ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કેસની માહિતી અનુસાર કલ્યાણ-નાશિક માર્ગ પર 1 ઑગસ્ટ, 2015ના રોજ હોટેલના માલિક પર હુમલો કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને લૂંટી લેવાયો હતો.
જજ શેટેએ એવું અવલોકન કર્યું હતું કે માહિતી આપનારની જુબાનીમાં વિસંગતિ છે. ખાસ કરીને એફઆઇઆરના સમયે અને આરોપીઓની ઓળખપરેડ વખતે.
કોર્ટે નિર્દેશ આપ્યા હતા કે ચુકાદાની નકલ થાણે પોલીસ કમિશનરને મોકલવામાં આવે. જેથી તપાસમાં સામેલ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. (પીટીઆઇ)