મિલકત વિવાદમાં હત્યાના કેસમાં કોર્ટે ચાર આરોપીને દોષમુક્ત કર્યા…

થાણે: મિલકત વિવાદમાં 2022માં કરાયેલી યુવાનની હત્યાના કેસમાં થાણે સેશન્સ કોર્ટે આખો કેસ સાંયોગિક પુરાવાને આધારે હોવાની નોંધ કરી ચાર આરોપીને દોષમુક્ત જાહેર કર્યા હતા.
પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે આરોપી પ્રવીણ રામદાસ જગતાપ, રાહુલ વીરભાણ સૂર્યવંશી, અક્ષય લહુ પાટીલ અને અજિંક્ય રામદાસ પાટીલને ભારતીય દંડ સંહિતાની કલમ 302, 120(બી), 201 અને 364 હેઠળના આરોપોમાં નિર્દોષ ઠેરવ્યા હતા.
તપાસકર્તા પક્ષે જણાવ્યું હતું કે પિતરાઈ ભાઈઓ અક્ષય અને અજિંક્યનો પૂર્વજોની મિલકતને લઈ મૃતક મંગેશ મારુતિ પાટીલ સાથે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. બન્ને જણે બિયર શૉપ શરૂ કરવાની યોજના બનાવી હતી. મિલકત માટે મંગેશની હત્યા કરવાનું કામ બન્નેએ પ્રવીણ જગતાપ અને રાહુલ સૂર્યવંશીને સોંપ્યું હતું અને આ માટે તેમને પચાસ હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
દારૂ પીવાને બહાને 13 એપ્રિલ, 2022ના રોજ મંગેશને મુરબાડમાં બોલાવવામાં આવ્યો હતો. પછી ગળું દબાવીને અને તીક્ષ્ણ હથિયારથી ગળું ચીરી તેની હત્યા કરવામાં આવી હતી. મંગેશનો મૃતદેહ છેક છ દિવસ બાદ પોલીસને મળ્યો હતો.
ખટલા દરમિયાન દલીલો સાંભળ્યા બાદ જજે નોંધ્યું હતું કે કેસ સાંયોગિક પુરાવાઓ પર આધારિત છે અને હત્યાનો હેતુ સ્પષ્ટ થતો નથી.
કોર્ટે એવું પણ નોંધ્યું હતું કે આરોપીના કહેવાથી મૃતદેહ, શસ્ત્ર અને કપડાં મળ્યાં એ સવાલ ઊભા કરે છે. આરોપી પ્રવીણ જગતાપે જણાવ્યા પછી ઘટનાસ્થળ અને શબ મળ્યું એ અંગેનું પંચનામું શંકા ઊપજાવે છે, એમ કોર્ટે જણાવ્યું હતું. (પીટીઆઈ)
આ પણ વાંચો…પોલીસ પર હુમલો, બેદરકારીથી વાહન હંકારવાનો આરોપ: થાણે કોર્ટે બે વેપારીને નિર્દોષ જાહેર કર્યા



