થાણેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આઠ વર્ષ બાદ આરોપીને ત્રણ વર્ષની કેદ…

થાણે: થાણે કોર્ટે 2017માં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદ ફટકારી હતી. કોર્ટે નોંધ્યું હતું કે સમાજને સ્પષ્ટ સંદેશ મોકલવા માટે આવા ગુનાઓનો કડક રીતે સામનો કરવો જોઇએ. એડિશનલ સેશન્સ જજ ડી.એસ. દેશમુખે શુક્રવારે આપેલા પોતાના આદેશમાં 38 વર્ષના આરોપીને ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સંબંધિત કલમો હેઠળ દોષી ઠેરવ્યો હતો.
જજ સજા સંભળાવતી વખતે આરોપીના કૌટુંબિક ઇતિહાસને ધ્યાનમાં રાખીને ‘નરમ દૃષ્ટિકોણ’ રાખ્યો હતો, કારણ કે તેમણે વિનંતી કરી હતી કે આરોપીનો કોઇ ગુનાહિત ભૂતકાળ નથી અને અને તેના પરિવારની સંભાળ રાખવા માટે ત્યાં કોઇ નથી.
24 ઑક્ટોબર, 2017ના રોજ આ ઘટના બની હતી. એ સમયે પીડિતા 12 વર્ષની હતી અને તે મીરા રોડ વિસ્તારની ઇમારતની લિફ્ટમાં એકલી હતી.
આરોપી પીડિતાનો પડોશી હોઇ તે લિફ્ટમાં પ્રવશ્યો હતો. લિફ્ટનો દરવાજો બંધ કર્યો હતો અને બાદમાં પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું, એમ વિશેષ સરકારી વકીલ સંજય લોંઢેએ કોર્ટને જણાવ્યું હતું. પીડિતાની માતાએ જુબાની આપી હતી કે તેની પુત્રી ડરી ગઇ હતી અને તેણે તાત્કાલિક ઘટનાની જાણ અમને કરી હતી. તપાસકર્તા પક્ષનો કેસ મુખ્યત્વે પીડિતાની જુબાની પણ આધારિત હતો, જેને તેની માતાના નિવેદન દ્વારા સમર્થન મળ્યું હતું. (પીટીઆઇ)



