થાણેમાં નિર્માણાધીન ઇમારતના સાતમા માળેથી પડતાં સ્ટોર મેનેજરનું થયું મૃત્યુ

થાણે: થાણેમાં નિર્માણાધીન ઇમારતના સાતમા માળેથી નીચે પટકાતાં 49 વર્ષના સ્ટોર મેનેજરનું મૃત્યુ થયું હતું. શુક્રવારે બપોરે આ ઘટના બની હત અને મૃતકની ઓળખ સચિન વસંત ગુંડેકર તરીકે થઇ હોઇ તે મુલુંડ વિસ્તારના નાહુર રોડ ખાતે રહેતો હતો.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જણાવ્યા અનુસાર થાણે પશ્ર્ચિમના ઢોકાળી વિસ્તારમાં બનેલી આ ઘટનાની જાણ કાપુરબાવડી પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા બપોરે 2.35 વાગ્યે કરવામાં આવી હતી.
સચિન ગુંડેકર કન્સ્ટ્રક્શન સાઇટ પર સ્ટોર મેનેજર તરીકે કામ કરતો હતો અને તે 32 માળની બંધાઇ રહેલી ઇમારતના સાતમા માળેથી પડ્યો હતો. સચિન ભોંયતળિયે લોખંડની રેલિંગ અને દોરડામાં ફસાઇ ગયો હતો.
આ પણ વાંચો: ગાંધીનગરના કોબા સર્કલ પાસે નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી, શ્રમિકો દટાયા
ગંભીર રીતે ઘવાયેલા સચિનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની ટીમ તથા અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પણ ત્યાં સુધીમાં સચિનનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયું હતું. સચિનના મૃતદેહને ત્યાર બાદ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
બાંધકામ સ્થળ પર અકસ્માત થવાનું કારણ અને બેદરકારી અથવા સુરક્ષામાં ચૂક થઇ છે કે કેમ તની પોલીસ દ્વારા તપાસ હાથ કરવામાં આવી રહી છે.
(પીટીઆઇ)