થાણેની કમર્શિયલ બિલ્ડિંગમાં આગ: ક્લિનિકમાંથી ૧૦ દર્દીને બચાવાયા

મુંબઈઃ થાણેમાં આવેલી એક ૧૬ માળની ઇમારતના ૧૧મા માળે આગ ફાટી નીકળતા અહીંની આંખની ક્લિનિકમાં સારવાર લઇ રહેલા નવ જણ તથા ફર્ટિલિટી સેન્ટરમાં એક જણ એમ કુલ ૧૦ દર્દીને બચાવી લેવાયા હતા, એમ સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું.
મંગળવારે રાત્રે ૧૧ કલાકે આગ લાગી હતી અને તેના પર કાબૂ મેળવતા પાંચ કલાકનો સમય લાગ્યો હતો, એમ થાણે પાલિકાના રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું. શહેરના ખોપત વિસ્તારના કેડબરી જંકશન ખાતેની કમર્શિયલ બિલ્ડિંગના ૧૧મા માળે આવેલા એક ટ્રસ્ટની ઓફિસમાં આગ લાગી હતી. આગને કારણે સંપૂર્ણ બિલ્ડિંગમાં ધુમાડો ફરી વળ્યો હતો.
આ પણ વાંચો : ખુશખબરઃ રાસ રંગ થાણે (2024)નું આ વર્ષનું સ્થળ હશે થાણે ઓક્ટ્રોય ગ્રાઉન્ડ
આગની જાણ થતા અગ્નિશમન દળ, આરડીએમસી અને થાણે ડિસ્ટ્રિક્ટ રિસ્ક્યુ ફોર્સ (ટીડીઆરએફ)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સાતમા માળે આવેલી આંખની ક્લિનિકમાં દાખલ નવ દર્દી અને ફર્ટિલિટી સેન્ટરમાં દાખલ એક દર્દીને બચાવી લેવાયા હતા. રાતના સમયે આગ લાગી હતી અને તમામ ઓફિસો બંધ હોવાથી આગ બુઝવવામાં મુશ્કેલી નડી હતી. સવારે ચાર વાગ્યા સુધી આગ બુઝવવાનું કામ ચાલ્યુ હતું, એમ સૂત્રોએ જણાવ્યું હતું