
થાણે: થાણેમાં વાહન પાર્કને મુદ્દે થયેલા વિવાદમાં કાર વૉશ કરનારા બે કર્મચારી પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે કર્મચારી જખમી થયા હતા, જ્યારે પોલીસે હુમલો કરનારા બે આરોપીની ધરપકડ કરી હતી.
થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં મંગળવારે બનેલી આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં બે શખસ તલવારમાં હવામાં ફરાવતા નજરે પડે છે. બાદમાં બન્ને શખસ યુવાનોના એક જૂથનો પીછો કરતા વીડિયોમાં દેખાય છે. આ પ્રકરણે વાગળે એસ્ટેટ પોલીસે ગુનો નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર કાર વૉશિંગ સેન્ટરમાં કામ કરતો 24 વર્ષનો યુવાન તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે આરોપી તેમની નજીક આવ્યા હતા. આરોપીઓએ એક યુવાનને વાહન અન્ય જગ્યાએ પાર્ક કરવાનું કહ્યું હતું. આ વાતનો યુવાને ઇનકાર કરતાં તેમની વચ્ચે વિવાદ થયો હતો.બન્ને આરોપીએ બાદમાં તલવારથી હુમલો કર્યો હતો, જેમાં બે યુવાન ગંભીર રીતે જખમી થયા હતા. આરોપીઓએ તલવારની ધાકે રાહદારીઓને ડરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, એમ ઘટનાને જોનારા સાક્ષીએ દાવો કર્યો હતો.
અમુક રાહદારીઓ અને સ્થાનિક દુકાનદારોએ આ બાબતે પોલીસને જાણ કરી હતી. પોલીસે અંદાજે 30 વર્ષના બન્ને આરોપીની ધરપકડ કરી હતી. તેમની વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી વીડિયો ક્લિપ્સ પુરાવા તરીકે પોલીસે જમા કરી હતી. જખમી બન્ને સારવાર બાદ સ્વસ્થ હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)