થાણેના વેપારી સાથે રૂ. 71 લાખની છેતરપિંડી: રાજકોટના ઝવેરી વિરુદ્ધ ગુનો
થાણે: થાણેના વેપારી સાથે રૂ. 71.18 લાખની છેતરપિંડી આચરવા પ્રકરણે રાજકોટના ઝવેરી વિરુદ્ધ વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.
નાયગાંવ પૂર્વમાં રહેતા અને સોનું ખરીદી-વેચાણનો વ્યવસાય કરતાં વેપારી જયેશ રાવલે નોંધાવેલી ફરિયાદને આધારે વાગલે એસ્ટેટ પોલીસે સોમવારે રાજકોટના ઝવેરી રાજેશ નગીનદાસ પારેખ સામે ગુનો દાખલ કર્યો હતો.
પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર જયેશનો ભાઇ રાજેન્દ્ર રાવલ ઝવેરી બજારમાંથી દાગીના ખરીદતો હોવાથી તેની મુલાકાત રાજેશ પારેખ સાથે થઇ હતી. ત્યાર બાદ તેણે જયેશ રાવલ સાથે દાગીના ખરીદી-વેચાણનો વ્યવહાર કર્યો હતો. તેણે અનેકવાર રાવલને દાગીનાનો ઓર્ડર આપ્યો હતો અને તેના પૈસા પણ સમયસર ચૂકવી દીધા હતા.
2 જુલાઇ, 2023ના રોજ તેણે રાવલ પાસેથી રૂ. 71.18 લાખના દાગીના લીધા હતા, બાદમાં તેના પૈસા ચૂકવ્યા નહોતા. રાવલે પૈસાની માગણી કરતાં તેણે ઉદ્ધત જવાબ આપ્યા હતા. બાદમાં તેણે રાવલને ધમકી આપી હતી કે પૈસાની માગણી કરશે તો તારા ભાઇનું અપહરણ કરીને તેને મારી નાખીશ અથવા પોતે આત્મહત્યા કરીને તારા નામે ચીઠ્ઠી લખીશ, એવો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.