આમચી મુંબઈ

બસની અડફેટે મૃત્યુ પામેલા આઇટી પ્રોફેશનલના પરિવારને 30.11 લાખ વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2020માં રિવર્સ આવી રહેલી બસની અડફેટમાં આવીને મૃત્યુ પામેલા આઇટી પ્રોફેશનલના પરિવારને 30.11 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

એમએસીટીના સભ્ય આર.વી. મોહિતેએ મંગળવારે આપેલા આદેશમાં નોંધ્યું હતું કે બસચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો. બસના માલિક અને વીમા કંપનીને મૃતકના પરિવારને સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે વળતર ચૂકવવાનો આદેશ અપાયો હતો.

આપણ વાચો: હાઇવે પર અકસ્માતમાં ઘવાયેલા ડ્રાઇવરને 23.27 લાખનું વળતર ચૂકવવાનો આદેશ…

થાણેના નૌપાડા નજીક મુંબઈ-નાશિક હાઇવે પર 26 ઑગસ્ટ, 2020ના રોજ આ અકસ્માત થયો હતો. મૃતક દિનેશ યશવંત ખોત બસસ્ટોપ પર ઊભો હતો ત્યારે બસ હંકારી રહેલા ડ્રાઇવરે પાછળ જોયા વિના ઝડપથી અને બેદરકારીપૂર્વક બસને રિવર્સ લીધી હતી. એ સમયે દિનેશ ખોત બસની અડફેટમાં આવી ગયો હતો, એમ દાવેદારો દિનેશની પત્ની અને તેના બંને સંતાનોએ એમએસીટીને જણાવ્યું હતું.

બસની ટક્કર વાગતાં દિનેશ નીચે પડી ગયો હતો અને બસનું ટાયર તેના પર ફરી વળ્યું હતું, જેને કારણે તેનું હોસ્પિટલમાં પહોંચતાં પહેલાં મૃત્યુ થયું હતું.

વીમા કંપનીએ દાવાનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે બસચાલક પાસે માત્ર એલવીએમ (લાઇટ મોટર વેહિકલ) લાઇસન્સ છે અને તે મીની બસ/ભારે વાહન ચલાવતો હતો. ટ્રિબ્યુનલે આ દલીલને ફગાવી દીધી હતી. (પીટીઆઇ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button