થાણેમાં કન્સ્ટ્રકશન સાઇટ પર લોખંડનો પાઇપ પડતાં મજૂરનું મોત: કોન્ટ્રેક્ટર સામે ગુનો દાખલ…

થાણે: થાણેમાં બ્રિજ બાંધકામના સ્થળે લોખંડનો વજનદાર પાઇપ પડતાં 20 વર્ષના મજૂરનું મોત થયું હતું, જ્યારે અન્ય મજૂરને ગંભીર ઇજા થઇ હતી. થાણેના ઘોડબંદર રોડ પર ગાયમુખ ચોપાટી નજીક શનિવારે આ ઘટના બની હતી અને પોલીસે મજૂરોને મૂળભૂત સલામતીનાં સાધનો પૂરાં પાડવામાં નિષ્ફ્ળ જવા બદલ સાઇટ કોન્ટ્રેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આ પ્રકરણે નોંધાયેલા એફઆઇઆર મુજબ નિર્માણાધીન બ્રિજ માટે બનાવવામાં આવેલો લોખંડનો વજનદાર પાઇપ કામગારો ઉપાડી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. લોખંડનો પાઇપ અચાનક સ્લીપ થઇ બે મજૂર પર પડ્યો હતો, જેમાં સુજિત હરિલાલ પ્રસાદ (20) નામના કામગારનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય મજૂર અભિષેક હરિન્દપ્રસાદ ભારતીને ગંભીર ઇજા પહોંચી હતી.
દિવાકર યોગેન્દ્ર પ્રસાદ (25) નામના મજૂરે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે તેના પાંચ પિતરાઇ સાઇટ પર કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ ઘટના બાદ પોલીસે સાઇટ કોન્ટ્રેક્ટર રાજેશકુમાર શંકર સાહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)



