નિકાહના ત્રણ દિવસમાં જ ટ્રિપલ તલાક: સાસરિયાં વિરુદ્ધ ગુનો

થાણે: નિકાહના ત્રણ દિવસમાં જ નવોઢાને ત્રાસ આપીને ટ્રિપલ તલાક આપવા બદલ ભિવંડી પોલીસે ઉત્તર પ્રદેશમાં વતની એવા પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ પ્રકરણે ભિવંડીમાં રહેતી પચીસ વર્ષની પરિણીતાએ રવિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર યુવતીના નિકાહ 19 ઑક્ટોબર, 2025ના રોજ મોહમ્મદ રશીદ સાથે થયા હતા. પછી ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં નાન્હુઈ ગામમાં પતિ સાથે ગયા પછી તુરંત સાસરિયાં દ્વારા તેની સતામણી કરવાનું શરૂ કરાયું હતું.
ફરિયાદમાં દાવો કરાયો હતો કે પિયરિયાં દ્વારા અપાયેલી ભેટસોગાતથી સાસરિયાંને સંતોષ નહોતો. તેમણે દહેજ તરીકે બુલેટ બાઈક આપવાની માગણી કરી હતી.
આ પણ વાંચો: પત્નીને ‘ટ્રિપલ તલાક’ આપી સતામણી કરીઃ પતિ અને પરિવાર સામે નોંધાયો કેસ…
નિકાહ વખતે પરિણીતાના પરિવાર દ્વારા સોનાની વીંટી, ઘડિયાળ અને કબાટ, બેડ, સોફા સેટ, ફ્રિજ, એસી, વૉશિંગ મશીન અને મિક્સર જેવી ઘરેલુ વસ્તુઓ આપવામાં આવી હતી, પરંતુ આટલી ચીજોથી સાસરિયાં ખુશ નહોતા.
આખરે 21 ઑક્ટોબરે પતિએ પ્રતિબંધિત ટ્રિપલ તલાક પદ્ધતિથી પત્નીને છૂટાછેડા આપ્યા હતા અને મારપીટ પણ કરી હતી. આ પ્રકરણે પોલીસે પતિ, તેના વડીલો અને બે બહેન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 85 અને 115 તેમ જ દહેજ વિરોધી કાયદા અને મુસ્લિમ વુમન ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મામલે તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસનું કહેવું છે.
(પીટીઆઈ)



