
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં હોસ્પિટલ નજીક પુરપાટ વેગે આવેલી ટ્રકે અડફેટમાં લેતાં ચાર વર્ષના બાળક અને મહિલાનાં મોત થયાં હતાં. ભિવંડીમાં ઇન્દિરા ગાંધી મેમોરિયલ (આઇજીએમ) હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર નજીક ગુરુવારે આ અકસ્માત થયો હતો.
શાંતિનગર વિસ્તારમાં રહેતી સોની બાનો તેના ભાઇની સારવાર માટે હોસ્પિટલમાં આવી હતી. સોની તેના સંબંધીના ચાર વર્ષના બાળકને લઇ હોસ્પિટલ નજીક માર્ગ ઓળંગી રહી હતી ત્યારે પુરપાટ વેગે આવેલી ટ્રકે તેને અડફેટમાં લીધી હતી.
અકસ્માતમાં સોનીનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયું હતું, જ્યારે બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પણ રાતે તેને પણ મૃત જાહેર કરાયો હતો.
નિઝામપુરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ ટ્રકને જપ્ત કરાઇ હતી અને ડ્રાઇવરને તાબામાં લેવાયો હતો. તેની સામે ગુનો દાખલ કરાયો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી છે અને પોલીસ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે. (પીટીઆઇ)