કોર્ટે ગેરકાયદે વસવાટ બદલ ત્રણ બાંગ્લાદેશીને દોષી ઠેરવ્યા

થાણે: થાણેની કોર્ટે ભારતમાં ગેરકાયદે વસવાટ બદલ ત્રણ બાંગ્લાદેશી નાગરિકને દોષી ઠેરવ્યા હતા. જાન્યુઆરી, 2025માં થાણેથી પકડાયેલા ત્રણેય બાંગ્લાદેશીને કોર્ટે જેલ ભોગવવાની સજા ફટકારી હતી.
એડિશનલ સેશન્સ જજ એ. એસ. ભાગવતે 30 ઑક્ટોબરે આપેલા આદેશમાં મોહંમદ બાબુલ શમશુદ્દીન મુલ્લા (41), મોહંમદ તુહીન મોહંમદ મિજાનુલ મુલ્લા (24) અને રાણે અબ્દુલ મલિક શેખ (24)ને દોષી ઠેરવ્યા હતા.
આપણ વાચો: બળાત્કારના કેસમાં બાંગ્લાદેશી નાગરિકને આઠ વર્ષની જેલ
બાંગ્લાદેશના નોદૈન જિલ્લાના વતની ત્રણેયને 26 જાન્યુઆરીએ શિળ ડાયઘર પોલીસે થાણેના પડાલે વિસ્તારના ઉત્તરકાશી નાકાથી પકડી પાડ્યા હતા. 30 ઑક્ટોબરે આરોપ ઘડવામાં આવ્યા હતા અને ત્રણેયને દોષી ઠેરવવામાં આવ્યા હતા, જેમણે હળવી સજાની માગણી કરી હતી.
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આરોપીઓ નવ મહિનાથી વધુ સમયથી જેલમાં છે તે હકીકતને ધ્યાનમાં રાખીને સજામાં ઉદારતા દાખવવી જરૂરી છે.
ત્રણેય સામે જે આરોપ લગાવવામાં આવ્યા હતા, તેમાં મહત્તમ પાંચ વર્ષની સજા થઇ શકે છે, જ્યારે કોર્ટે તેમને જેલમાં વિતાવેલો સમય, જે નવ મહિના અને ચાર દિવસ હતો, તેટલી સજા ફટકારી હતી. (પીટીઆઇ)


