ગામના ચોકમાં કુહાડીના ઘા ઝીંકી પ્રૌઢની હત્યા: મહિલા સરપંચ સહિત છ સામે ગુનો…

થાણે: ગામમાં ચાલતા વિવાદને પગલે પાંચ જણે ચોકમાં જાહેરમાં કુહાડીના ઘા ઝીંકી પ્રૌઢની કથિત હત્યા કરી હોવાની ઘટના થાણે જિલ્લામાં બની હતી. આ પ્રકરણે પોલીસે મહિલા સરપંચ સહિત છ સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની સવારે મુરબાડ તાલુકાના જામબ્રુડે ગામમાં બની હતી. પાંચ જણે ગામના ચોકમાં જાહેરમાં બારચંદ્ર બિર્હાડે પર હુમલો કર્યો હતો. કુહાડીના ઘા ઝીંકવામાં આવતાં બિર્હાડેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બિર્હાડેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકનો પુત્ર ગામમાં ઉપસરપંચ છે અને આરોપી ગામની મહિલા સરપંચના ટેકેદારો છે. વિકાસ પ્રોજેક્ટ્સ અને મૃતકે આરટીઆઈ દ્વારા મેળવેલી વિગતોને લઈ છેલ્લા અમુક મહિનાથી બે જૂથ વચ્ચે વિવાદ હતો.
પોલીસે તપાસ હાથ ધરી હત્યા પ્રકરણે એકની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય હુમલાખોરોની શોધ હાથ ધરી હતી. મૃતકના પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં મહિલા સરપંચનું નામ પણ આરોપી તરીકે દર્શાવાયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)
આપણ વાંચો: ઉલ્હાસનગરમાં ઘરેલું વિવાદને લઇ જમાઇએ કરી સસરાની હત્યા