થાણેમાં 3.39 કરોડ રૂપિયાનું ડ્રગ્સ વેચવા આવેલો ડ્રાઇવર પકડાયો…

થાણે: થાણે ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલે 3.39 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને 42 વર્ષના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ મોહંમદ મકસુદ મોહંમદ અહમદ તરીકે થઇ હોઇ તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. આરોપીને સ્થાનિક અદાલતમાં હાજર કરાતાં તેને 4 ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના અધિકારીઓને માહિતી મળી હતી કે થાણેના ઉથળસર નાકા નજીક આવેલી સોસાયટી પાસે એક વ્યક્તિ નશીલો પદાર્થ વેચવા માટે આવવાની છે. આથી પોલીસ ટીમે ગુરુવારે રાતે છટકું ગોઠવ્યું હતું. દરમિયાન ત્યાં આવેલા શખસની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેને તાબામાં લેવાયા હતા.
મોહંમદ મકસુદ નામના શખસ પાસેની પ્લાસ્ટિકની થેલીની તલાશી લેવામાં આવતાં તેમાંથી ત્રણ કિલોથી વધુનું ચરસ મળી આવ્યું હતું, જેની કિંમત 3.39 કરોડ થાય છે. આરોપી ઉત્તર પ્રદેશથી ચરસ થાણેમાં વેચવા માટે લાવ્યો હતો. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…થાણેમાં જિમ ટ્રેઇનર પાસેથી પ્રતિબંધિત કેમિકલ ઇન્જેકશનનો જથ્થો જપ્ત કરાયો…