અકસ્માતમાં ઘવાયેલા યુવકને 12.74 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ

થાણે: થાણેમાં મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) વર્ષ 2020માં મોટરસાઇકલને નડેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા 27 વર્ષના યુવકને 12.74 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
એમએસીટીનાં સભ્ય આર. વી. મોહિતેએ અકસ્માતમાં સંડોવાયેલા ડમ્પર ટ્રકના માલિક અને વીમા કંપની ટાટા એઆઇજી જનરલ ઇન્શ્યૂરન્સ કંપની લિમિટેડને અરજી દાખલ થયાના સમયથી વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 4 ફેબ્રુઆરીએ આ આદેશ આપવામાં આવ્યો હતો.
14 સપ્ટેમ્બર, 2020ના રોજ બાઇક પર પાછળ બેસીને જતી વખતે અકસ્માતમાં થયેલી ઇજાઓ માટે ઘાયલ થયેલા રાજેશકુમાર સાધુ સરન યાદવે (27) મોટર વેહિકલ એક્ટ હેઠળ અરજી દાખલ કરીને વળતરની માગણી કરી હતી.
કેસની વિગતો મુજબ રાજેશકુમાર યાદવ મોટરસાઇકલ પર ચેમ્બુરથી ભાયંદર તરફ જઇ રહ્યો હતો ત્યારે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વિક્રોલી ખાતે ડમ્પરે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરને કારણે મોટરસાઇકલ સ્કીડ થઇ હતી અને ડમ્પરનું ટાયર રાજેશકુમાર પર ફરી વળ્યું હતું, જેમાં તેના પગમાં ગંભીર ઇજા થઇ હતી.
(પીટીઆઇ)



