ટેકરી પર લઈ જઈ બાળકી પર જાતીય હુમલો: આરોપીને 10 વર્ષની સખત કેદ

થાણે: ઘર નજીકની ટેકરી પર લઈ ગયા પછી 11 વર્ષની બાળકી પર જાતીય હુમલો કરવાના 2018ના કેસમાં થાણે સેશન્સ કોર્ટે યુવાનને 10 વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી.
એડિશનલ સેશન્સ જજ ડી. એસ. દેશમુખે શુક્રવારે સંતોષ ભીમરાવ વાનખેડે (32)ને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ અને ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે તેને 10 વર્ષની જેલ અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ રકમ અપીલના સમયગાળા પછી પીડિતાને આપવાનું આદેશમાં જણાવાયું હતું.
આપણ વાંચો: રાજકોટમાં બાળ મજૂરીનો પર્દાફાશ: 21 બંગાળીઓને બંધક બનાવી મજૂરી કરાવાતી, જાતીય શોષણનો પણ ઘટસ્ફોટ
કેસની વિગત અનુસાર મુંબ્રા વિસ્તારમાં 19 મે, 2018ની વહેલી સવારે આરોપીએ બાળકી સાથે કુકર્મ આચર્યું હતું. બાળકીની માતાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ઘટનાની વહેલી સવારે બાળકી ઘરમાંથી ગુમ થઈ ગઈ હતી. પછી ઘર નજીકની ટેકરી પરથી ઇજાગ્રસ્ત હાલતમાં તે નીચે ઊતરતી નજરે પડી હતી.
તપાસકર્તા પક્ષની મુખ્ય સાક્ષી એવી બાળકીએ જણાવ્યું હતું કે આરોપી તેના ઘરમાં ઘૂસ્યો હતો. બાળકી બૂમાબૂમ ન કરે તે માટે તેનું મોં હાથેથી દબાવી તેને ટેકરી પર લઈ ગયો હતો. ટેકરી પર બાળકીની મારપીટ કર્યા પછી તેના પર જાતીય હુમલો કર્યો હતો.
બાદમાં ઘટનાની કોઈને જાણ કરી તો તેના ભાઈઓને મારી નાખવાની ધમકી આરોપીએ બાળકીને આપી હતી.
જજે નોંધ્યું હતું કે બાળકીએ મૅજિસ્ટ્રેટને આપેલી જુબાનીમાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું કહ્યું છે અને આરોપીને ઓળખી કાઢ્યો છે. (પીટીઆઈ)