ઠાકરે જૂથના નેતાને પોતાના જ રિસોર્ટનો હિસ્સો તોડવાની ફરજ પડી, જાણો કેમ?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) દ્વારા મની લોન્ડરીંગના કેસમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અનિલ પરબ વિરુદ્ધ તેમના રત્નાગિરીના દાપોલી ખાતે આવેલા સાંઇ રિસોર્ટ વિશે તપાસ શરૂ કરવામાં આવી હતી, તે રિસોર્ટનો ગેરકાયદે હિસ્સો તોડી પાડવામાં આવ્યો છે. અનિલ પરબના જ સહકારી સદાનંદ કદમ દ્વારા આ ગેરકાયદે બાંધકામનું તોડકામ શરૂ કરવામાં આવ્યું હતું. બોમ્બે હાઇ કોર્ટને ગેરકાયદે હિસ્સો તોડી પાડવામાં આવેલા આશ્વાસન બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું સ્થાનિક પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ટિકિટ ન મળતા ભાજપના આ સાંસદ નારાજ, ઠાકરે જૂથમાં સામેલ થવાની ચર્ચા
આ રિસોર્ટના ત્રીજા માળાનું તોડકામ શરૂ કરવામાં આવ્યું છે અને આ કામ પૂરું થતા હજી બેથી ત્રણ દિવસ લાગશે, તેમ જાણવા મળ્યું છે. આ રિસોર્ટના ગેરકાયદે બાંધકામ અને મની લોન્ડરિંગ બાબતે સદાનંદ કદમની ધરપકડ પણ કરવામાં આવી હતી અને પછીથી તેમને જામીન આપી દેવામાં આવ્યા હતા.
જોકે, સદાનંદ કદમ દ્વારા બોમ્બે હાઇ કોર્ટને ગેરકાયદે બાંધકામનો હિસ્સો પોતાના ખર્ચે તોડી પાડવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું, ત્યારબાદ તેમને જામીન આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ, શિંદે જૂથના વિધાનસભ્ય ઠાકરે જૂથમાં પરત ફરવાનો દાવો
હાઇ કોર્ટને આપેલા આશ્વાસનને પૂરું કરતા સદાનંદ કદમ દ્વારા પોતાના જ સહકારીના રિસોર્ટના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની શરૂઆત કરવામાં આવી છે. જોકે, ભાજપ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તો નેતાઓ દ્વારા કરવામાં આવેલા પાપોનું તેમણે પ્રાયશ્ચિત કરવું પડી રહ્યું છે.
ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં ઇડીએ સાંઇ રિસોર્ટને ટાંચ મારી હતી જેની કિંમત 10 કરોડ રૂપિયા કરતાં વધુની છે. એ વખતના રાજ્યના પ્રધાન અનિલ પરબ અને અન્યો વિરુદ્ધ એ વખતે મની લોન્ડરીંગની તપાસ પણ શરૂ કરવામાં આવી હતી.