મહારાષ્ટ્રના ગોંદિયામાં ભીષણ અકસ્માતઃ શિવશાહી બસ ઊંધી વળતા 9 પ્રવાસીનાં મોત
નાગપુરઃ ગઈકાલે ગુજરાતમાં અલગ અલગ અકસ્માતમાં 12 જણના મોતના અહેવાલ વચ્ચે આજે મહારાષ્ટ્રમાં શિવશાહી બસ ઊંધી વળતા નવ લોકોના મોત થયાના અહેવાલ છે. બાઈકસવારને બચાવવાના પ્રયાસમાં એક બસ ઊંધી વળતા નવ લોકોનાં મોત થયા છે.
નાગપુરથી ગોંદિયા જઈ રહેલી બસને જીવલેણ અકસ્માત નડ્યો છે. બપોરના બાર વાગ્યાથી સાડા બાર વાગ્યાના સુમારે અકસ્માત થયો હતો. નાગપુરથી ગોંદિયા જઈ રહેલી બસ ટર્નિંગમાં બાઈકચાલક આવી ગયો અને બાઈકચાલકને બચાવવાની કોશિશમાં ડ્રાઈવરે ટર્ન લીધો હતો, જેમાં બસ આખી ઊંધી વળી ગઈ હતી.
નાગપુરથી ગોંદિયા જતી બસ ઊંધી વળતા અનેક લોકોને ઈજા પહોંચી છે. અમુક લોકોને ગંભીર ઈજા પણ પહોંચી છે. એક બાઈકચાલકને બચાવવાના કિસ્સામાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ પરિવહન કોર્પોરેશન (એમએસઆરડીસી)ની શિવશાહી ઊંધી વળી ગઈ હતી. અકસ્માતના સમયે બસમાં 35થી વધુ પ્રવાસી હતી.
અકસ્માતના સાક્ષીઓએ કહ્યું હતું કે આ અકસ્માત પછી અમુક લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચ્યા પછી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની પ્રશાસનને જાણ કર્યા પછી તાત્કાલિક એમ્બયુલન્સ અને પોલીસ પલટન ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. અકસ્માતનો કેસ નોંધીને પોલીસ પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Also Read – Surat નજીક મુસાફર ભરેલી બસનો અકસ્માત, 15 લોકો ઇજાગ્રસ્ત
દરમિયાન મુખ્ય પ્રધાને અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે, જ્યારે મૃતકના પરિવારોને દસ લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ગંભીર રીતે ઘવાયેલા પ્રવાસીઓને સરકારી ખર્ચે સારવાર કરવામાં આવી રહી છે. આ અકસ્માત પછી રસ્તા પરના વધતા અકસ્માતો અંગે પ્રશાસને ચિંતા વ્યક્ત કરી હતી.