મીઠી નદીના વિકાસ કામ માટે ૧૭૦૦ કરોડના ટેન્ડર બહાર પાડયા

આચારસંહિતા લાગુ પડે તે પહેલા પ્રશાસન એક્શન મોડમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગપાલિકાની ચૂંટણી જાહેર થાય અને આચારસંહિતા લાગુ પડે તે પહેલા પાલિકા પ્રશાસન એક્શન મોડમાં આવી ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી ટેન્ડર પ્રક્રિયામાં અટવાઈ ગયેલી મીઠી નદીના સફાઈના કામ માટેના ૧,૭૦૦ કરોડ રૂપિયાના ટેન્ડર ફરી બહાર પાડયા હતા. ત્રણથી ચાર કંપની આગળ આવી હતી. તેમાં એક કંપની ફાઈનલ કરીને કામ સોંપવામાં આવ્યું છે. આચારસંહિતા લાગુ પડે તે પહેલા પાલિકા કામ શરૂ કરવા માગે છે.
દર વર્ષે ચોમાસામાં મીઠી નદીમાં આવતા પૂરથી છૂટકારો મેળવવા મીઠી નદીના વિકાસ કામ ચાર તબક્કામાં કરવાનો પ્રોજેક્ટ પાલિકાએ હાથ ધર્યો છે, જેમાં કુર્લાના સીએસએમટી રોડથી માહિમ કૉઝવે દરમ્યાન ત્રીજા તબક્કાનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ટેન્ડર પ્રક્રિયામાં અટવાઈ ગયા બાદ છેલ્લે ફરી ટેન્ડર કાઢીને કંપનીને કામ સોંપવામા આવ્યું છે. આ કામ માટે ૧,૭૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ છે અને બહુ જલદી વર્ક ઓર્ડર બહાર પાડીને કામ શરૂ કરવામાં આવવાનું હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
મીઠી નદી પૂર્વ,પશ્ર્ચિમ ઉપનગરની સાથે જ શહેરમાંથી પણ વહે છે. ૨૦૦૫માં થયેલી અતિવૃષ્ટિ અને મીઠી નદીમાં આવેલા પૂર બાદ તેની સફાઈ, તેની ઊંડાઈ અને આજુબાજુના અતિક્રમણને હટાવી દિવાલ બાંધવા જેવા કામ ચાર તબક્કામાં હાથ ધરવામાં આવ્યા છે, જેમાં ત્રીજા તબક્કામાં ભરતીના પાણી ભરાય છે તે વિસ્તારમાં મીઠી નદી અને વાકોલા નદીમાં ઠાલવવામાં આવતા ગંદા પાણી (સ્યુેએજ વોટર)ને રોકીને મીઠી નદીના કિનારા પાસે સ્યુએજ લાઈન દ્વારા મુખ્ય સ્યુએજ લાઈનમાં ડાઈવર્ટ કરવાનું કામ, મીઠી નદીની બાકીની ૩૦૦ મીટર લંબાઈના વિસ્તારને પહોળી કરવાની સાથે જ ઊંડી કરવાનું, સુરક્ષા દીવાલ, સર્વિસ રોડ, ૨૫ ફ્લડિંગ ગેટ બાંધવાના કામ કરવામાં આવવાના છે. આ કામ માટે મે, ૨૦૩માં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા પણ કામ માટે રહેલા જૂના દર, ટેન્ડરમાં રહેલી અનેક ત્રુટીઓને કારણે અનેક વખત ટેન્ડર લંબાઈ ગયા હતા.
છેવટે પાલિકાએ ત્રીજા તબક્કાના કામ માટે ફરી ટેન્ડર કાઢયા હતા પણ ત્રીજા તબક્કાના કામના ખર્ચમાં ઘટાડો કરીને ટેન્ડર કાઢયા છે. આ તબક્કામાં વિકાસ કામમાં કુર્લા-સીએસએમટી રોડથી માહિમ કૉઝવે દરમ્યાન પર્યટકોને ચાલવા માટે રસ્તો અને સુશોભીકરણ માટે ૪૦૦ કરોડ રૂપિયાનો અલગથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ કામને ત્રીજા તબક્કામાંથી હટાવી લેવામાં આવ્યું છે. એ સિવાય ૨૫ ફ્લડ ગેટ બેસાડવાનું પ્રસ્તાવિત છે પણ ત્રણ વર્ષ પહેલા સાદા પ્રકારના સાત ફ્લડ ગેટ બેસાડયા હતા તેથી હાલ ફકત નવા અત્યાધુનિક ૧૮ ફ્લડગેટ જ બેસાડવામાં આવશે, જેને કારણે ૩૦૦ કરોડ રૂપિયાની બચત થશે.
આપણ વાંચો: ભાયખલાના પ્રાણી સંગ્રહાલયમાં શક્તિ વાધનું મૃત્યુ આઠ દિવસ સુધી પાલિકા પ્રશાસન મૃત્યુ બાબતે મૌન



