આચારસંહિતા પહેલા ૧૦ હજાર કરોડના પ્રોજેક્ટના ટેન્ડર,અઠવાડિયાની અંદર નાના મોટા ૫૦૦ ટેન્ડર બહાર પાડયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં હાલ અનેક મહત્ત્વના અને કરોડો રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે. આ પ્રોજેક્ટનું કામ અટવાઈ ના જાય તે માટે આચારસંહિતા અમલમાં આવે તે પહેલા જ મુંબઈ મહાનગરપાલિકાએ પ્રોેજેક્ટ માટેના કરોડો રૂપિયાના ટેન્ડર અને વર્ક ઓર્ડર બહાર પાડી દીધા હતા. તેથી હવે આચાર સંહિતા અમલમાં આવ્યા બાદ પણ આ પ્રોજેક્ટના કામ અટકશે નહીં.
આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ના થવાની છે. તે માટે સોમવારે સાંજના ચાર વાગે આચાર સંહિતા અમલમાં અમલમાં આવી ગઈ હતી. તે પહેલા જ જોકે પાલિકા પ્રશાસન દ્વારા પોતાના મહત્ત્વના વિકાસલક્ષી પ્રોજેક્ટના ટેન્ડર અને વર્ક ઓર્ડર બહાર પાડી દેવામાં આવ્યા હતા. તેથી આ પ્રોેજેક્ટના કામમાં કોઈ અડચણ આવશે નહીં અને પ્રોજેક્ટનું કામ આગળ વધવાની પ્રક્રિયા પણ આગામી મહિનામાં ચાલુ જ રહશે અને સાઈટ પર કામ પણ ચાલુ જ રહેશે.
મહત્વના પ્રોજેક્ટમાં ગારગાઈ બંધનું કામ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો કૉન્ટ્રેક્ટ તેમ જ ગોરેગામ-મુલુંડ લિક રોડના ચોથા તબક્કાનું બાંધકામ, ભાયખલાના વાય ફ્લાયઓવરને જેજે ફ્લાયઓવર સાથે જોડતો કેબલ-સ્ટેડ બ્રિજ જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આચારસંહિતા લાગુ પડે તેના અઠવાડિયા પહેલા જ પાલિકાએ લગભગ ૧૦ હજારથી વધુ કરોડના પ્રોજેક્ટના ટેન્ડર અને વર્ક ઓર્ડર બહાર પાડી દીધા છે.
ગારગાઈ ડેમનું કામ લાંબા સમયથી અટવાઈ ગયું હતું. છેવટે મહાયુતી સરકારના નેતૃત્વમાં અને પ્રશાસકીય કારભાર હેઠળ પાલઘરમાં બની રહેલા આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડીને કામ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. લગભગ ૩,૦૪૦ કરોડના અંદાજિત ખર્ચે મુંબઈના પાણીપુરવઠામાં દરરોજ ૪૫૦ મિલ્યન લિટર પાણીનો ઉમેરો થશે.
ગયા અઠવાડિયે પાલિકાએ ભાયખલાના વાય બ્રિજને જેજે ફ્લાયઓવર સાથે જોડતો કેબલ સ્ટેડ બ્રિજને બનાવવા માટે ૧,૦૪૧ કરોડ રૂપિયાનો કૉન્ટ્રેક્ટ આપ્યો હતો. આ બ્રિજથી ભાયખલા અને મઝગાંવના ટ્રાફિકમાં રાહત મળશે. બે વર્ષમાં કામ પૂરું થશે. પ્રસ્તાવિત ૮૫૦ મીટરનો બ્રિજ પૂર્વીય ઉપનગર અને દક્ષિણ મુંબઈને પણ જોડશે.
ગોરેગામ-મુલુંડ લિંક રોડના ચોથા તબક્કાના કામ માટે પાલિકાએ ૧,૨૦૦ કરોડના ટેન્ડર બહાર પાડયા છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવને અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના રસ્તાના રિસર્ફેસિંગના કામ માટે સોમવારે ૧૨૦ કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.
ટેન્ડર બહાર પાડવાના આઠ મહિના બાદ પાલિકાએ આખરે ૪,૦૦૦ કરોડના ખર્ચે સર્વિસ બેસ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમનો કૉન્ટ્રેક્ટ આપ્યો હતો, જેમાં મુંબઈના ૨૧ વોર્ડમાં સફાઈની સાથે જ કચરાનું પરિવહનનું કામ કૉન્ટ્રેક્ટર દ્વારા કરવામાં આવશે.
ટેન્ડર બહાર પાડવાની સાથે જ આચારસંહિતા અમલમાં આવે તે પહેલા જુદા જુદા રાજકીય પક્ષોએ જુદા જુદા પ્રોજેક્ટ માટે તેમના વિસ્તારમાં ભૂમિપૂજન પણ ઉતાવળે પાર પાડયા હતા. મુલુંડમાં બર્ડ પાર્કનું ભૂમિપૂજન રવિવારે મુખ્ય પ્રધાન દ્વારા કરવામાં આવ્યુ હતું.
આ પણ વાંચો…મુંબઈ BMC સહિત મહારાષ્ટ્રની તમામ મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર, આજથી આચારસંહિતા લાગુ



