ટિકિટ વગર મુસાફરી કરનારાઓની હવે ખેર નહીં! તેજસ્વિની ટીમ મેદાનમાં, એક દિવસમાં બે લાખ રુપિયાનો દંડ વસૂલ

મુંબઇ: મધ્ય અને પશ્ચિમ રેલવે દ્વારા ટિકિટ વગર મુસાફરી કરતાં મુસાફરો સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ભીડ હોય એ સમયે રેલવે સ્ટેશન પર એક જ સમયે સેકડો ટિકિટચેકરની નિમણૂંક કરી ટિકિક વગર મુસાફરી કરી રહેલ મુસાફરોને પકડવાની ઝૂંબેશ ધરાઇ છે. ત્યારે હવે મધ્ય રેલવે પર ટિકિટ ચેકિંગમાં નારી શક્તી એટલે કે તેજસ્વિની ટીમે પણ ભાગીદારી નોંધાવી છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં તેજસ્વીની ટીમે ટિકિટ વગર મુસાફરી કરી રહેલા મુસાફરો પાસેથી એક જ દિવસમાં લગભગ બે લાખ રુપિયાનો દંડ વસૂલ કર્યો છે.
રેલવેના વાણિજ્ય વિભાગ દ્વારા ટિકીટ ચેકરની નિમણૂંક કરવામાં આવે છે. મહિલા ડબ્બામાં સહજ રીતે ટિકિટ ચેક કરી શકાય તે માટે મહિલા રેલવે કર્મચારીવાળી તેજસ્વિની ટીમની સ્થાપના કરવામાં આવી છે.
નવરાત્રીની નવમી એટલે કે સોમવારે તેજસ્વિની ટીમના 47 ટિકિટ ચેકર અને 11 રેલવે સુરક્ષા દળ (RPF)ના કર્મચારીએ CSMT રેલવે સ્ટેશન પર તપાસ હાથ ધરી હતી. એક જ સમયે ઘણાં બધા ટીસી હોવાને કારણે મુસાફરો થોડી વાર માટે ગભરાઇ ગયા હતાં. તપાસના અંતે 730 પ્રવાસી પર કાર્યવાહી થઇ હતી. ટિકિટ વગર મુસાફરી કરી રહેલ મુસાફરો પાસેથી 1 લાખ 88 હજાર 605 રુપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
દરેક રેલવે સ્ટેશન પર મર્યાદિત ટીસી હોવાને કારણે ટિકિટ વગર મુસાફરી કરી રહેલ મુસાફરો પર અપેક્ષિત કાર્યવાહી થઇ શકતી નથી. જોકે એક જ સમયે એક જ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ટીસી હોવાથી તેનું પરિણામ સારું મળે છે એ દેખાઇ રહ્યું છે. ટિકિટ વગર મુસાફરી કરી રહેલાં લોકો માટે આવા સમયે ભાગી છૂટવું શક્ય બનતું નથી.
સ્ટેશનના પ્રવેશ દ્વાર, ફર્સ્ટ ક્લાસ, મહિલા ડબ્બા સામે તથા લોકલના સેન્ટરના ડબ્બા પાસે ટીસીની નિમણૂંક કરતાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલા મુસાફરોને પકડવા શક્ય બને છે. તેથી એક જ સમયે મોટી સંખ્યામાં ટીસીની નિમણૂક કરી તપાસ હાથ ધરવામાં આવે છે એવો ખુલાસો રેલવેના ઉચ્ચ અધિકારીએ કર્યો હતો.