શિવસેના (યુબીટી)ના મૃત નેતાની પત્ની તેજસ્વીએ પાર્ટી પદ છોડ્યું…
તેજસ્વી શિવસેના (યુબીટી)ના દિવંગત કોર્પોરેટર અભિષેક ઘોસાલકરની પત્ની છે, જેમની ફેબ્રુઆરી 2022માં ફેસબુક લાઇવ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી

મુંબઈ: મુંબઈના દહિસરથી શિવસેના (યુબીટી)ના વિભાગ પ્રમુખ તેજસ્વી ઘોસાલકરે પાર્ટીના સાથી નેતાઓ ખાસ કરીને તેમના સસરા વિનોદ ઘોસાલકર સાથેના મતભેદો બાદ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેજસ્વી શિવસેના (યુબીટી)ના દિવંગત કોર્પોરેટર અભિષેક ઘોસાલકરનાં પત્ની છે, જેમને ફેબ્રુઆરી 2022માં ફેસબુક લાઇવ દરમિયાન ઉદ્યોગપતિ મૌરિસ નોરોન્હા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેઓ તેમના પ્રત્યે દ્વેષ રાખતા હતા.
તેજસ્વીએ કહ્યું કે તે ટૂંક સમયમાં પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેને મળવાની છે. ‘મેં દહિસર વિધાનસભા વિસ્તારના વિભાગ પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું છે. પાર્ટીના ઘણા પદાધિકારીઓ મને પરેશાન કરી રહ્યા હતા. હું આ મુદ્દા વિશે મારા પાર્ટીના ઉપરી અધિકારીઓને મેસેજ કરી રહી હતી, પરંતુ તેમણે મારા સંદેશાઓને અવગણવાનું પસંદ કર્યું હતું. મારા રાજીનામાના સમાચાર જાહેર થયા પછી તરત જ, અમારી પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ મને માતોશ્રી બંગલા પર બોલાવી છે,’ એમ તેમણે કહ્યું હતું.
જોકે, તેણીએ તેના સસરા સાથેના તણાવપૂર્ણ સંબંધો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, જેઓ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેના કટ્ટર વફાદાર છે. શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદના પુત્ર, 41 વર્ષના અભિષેક ઘોસાલકરને 8 ફેબ્રુઆરી, 2022ના રોજ બોરીવલીમાં ગોળી મારી દેવામાં આવી હતી.
2017માં પહેલી વાર કોર્પોરેટર બનેલા તેજસ્વી અને વિનોદ વચ્ચે 2024ની વિધાનસભા ચૂંટણી દરમિયાન દહિસર વિધાનસભા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડવા અંગે મતભેદ થયા હતા. ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદ આખરે આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના મનીષા ચૌધરી સામે હારી ગયા હતા. આ વખતે ચોમાસા પછી યોજાનારી મુંબઈ મનપાની ચૂંટણીઓને કારણે સંબંધોમાં ફરી ખટાશ આવી ગઈ છે. તેજસ્વી દહિસરના ચૂંટણી વોર્ડ નંબર 1માંથી ચૂંટણી લડવા માંગે છે જ્યારે વરિષ્ઠ ઘોસાલકર ઇચ્છે છે કે પાર્ટી આ વોર્ડ તેમના બીજા પુત્ર સૌરભને આપે.
તેજસ્વીને નવા વોર્ડમાં સ્થળાંતર કરવા માટે સમજાવવામાં આવી રહી હતી, તેમણે પાર્ટી નેતૃત્વના હસ્તક્ષેપની માગણી કરી હતી, પરંતુ તેમને ઇચ્છિત પ્રતિસાદ મળ્યો નહોતો. સોમવારે તેણે પાર્ટીનાં પદો છોડવાનો નિર્ણય લીધો. તેમના સહાયકોએ જણાવ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના તેમજ ભાજપ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે અને ઠાકરે સાથે મુલાકાત કર્યા પછી તેઓ યોગ્ય નિર્ણય લેશે. બીજી તરફ વિનોદ ઘોસાલકરે આ મુદ્દે કોઈ ફોનનો જવાબ આપ્યો ન હતો.