ટીસે ફેકલ્ટી અને સ્ટાફ સભ્યોને કોન્ટ્રાક્ટના રિન્યુ ન કરવાની વિવાદાસ્પદ નોટિસ પાછી ખેંચી
મુંબઈ: ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ (ટીસ) એ રવિવારે જણાવ્યું હતું કે તેમણે પંચાવન ટીચિંગ અને 60 નોન-ટીચિંગ સ્ટાફને કોન્ટ્રાક્ટ રિન્યૂ ન કરવા માટે આપવામાં આવેલી નોટિસ પાછી ખેંચી લીધી છે અને તેમને તેમનું કામ ચાલુ રાખવા જણાવ્યું છે.
ટીસે જણાવ્યું હતું કે તમામ પંચાવન ફેકલ્ટી અને 60 નોન-ટીચિંગ સ્ટાફની નિમણૂક ટાટા એજ્યુકેશન ટ્રસ્ટ (ટીઈટી) દ્વારા ભંડોળ ઉપલબ્ધ કરાવવાના પ્રોગ્રામ હેઠળ કરવામાં આવી હતી અને તેઓ ચોક્કસ પ્રોગ્રામના સમયગાળા માટે કરાર આધારિત હતા. ચાર ટીસ કેમ્પસ – મુંબઈ, તુળજાપુર, હૈદરાબાદ અને ગુવાહાટી ખાતે ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફના કોન્ટ્રાક્ટ 30 જૂન (રવિવાર) ના રોજ પૂરા થઈ રહ્યા હતા. ટાટા એજ્યુકેશન ટ્રસ્ટ સાથે ચાલી રહેલી ચર્ચાઓમાં એવી ખાતરી આપવામાં આવી છે કે આ મુદ્દાને ઉકેલવા માટે ટીસને સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમામ સંબંધિત ટીઈટી પ્રોગ્રામ ફેકલ્ટી અને નોન-ટીચિંગ સ્ટાફને સંબોધીને લખવામાં આવેલા તારીખ 28મી જૂન 2024નો પત્ર આથી તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવામાં આવ્યો છે. તેઓને તેમનું કાર્ય ચાલુ રાખવા વિનંતી કરવામાં આવે છે. ઇન્સ્ટિટ્યૂટને ટીઈટી તરફથી ગ્રાન્ટ મળતાંની સાથે જ પગાર આપવામાં આવશે એમ સરક્યુલરમાં જણાવવામાં આવ્યું છે.
Maharashtra સરકારને TISSની ફેકલ્ટીએ કરી આ ફરિયાદ
આ પહેલાં કોન્ટ્રાક્ટનું નૂતનીકરણ ન કરવાને કારણે વિદ્યાર્થીઓના સંગઠન અને સાથી ફેકલ્ટી સભ્યો દ્વારા તીવ્ર ટીકા કરવામાં આવી હતી. એક ફેકલ્ટી મેમ્બરે જણાવ્યું હતું કે ટાટા ટ્રસ્ટ તરફથી મળેલી ગ્રાન્ટમાંથી ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફ માટે આ કોન્ટ્રાક્ટ જારી કરવામાં આવ્યા હતા. તેઓએ ટીસ વહીવટીતંત્ર પર પરિસ્થિતિની પૂર્વ જાણકારી ન આપવાનો આરોપ લગાવ્યો હતો.
અમે વહીવટીતંત્રને ગયા મહિને ભંડોળની સ્થિતિ વિશે પૂછ્યું હતું અને અમને કહેવામાં આવ્યું હતું કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. પરંતુ, અચાનક નોટિસ જારી કરવામાં આવી હતી કે ભંડોળના અભાવને કારણે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યા નથી. આ વહીવટીતંત્રની સંપૂર્ણ ગેરવહીવટ છે એવો દાવો ફેકલ્ટી મેમ્બરે કર્યો હતો.
…Paper leak કરનારા ખબરદાર, મહારાષ્ટ્રમાં થશે આટલી સજા અને ભરવો પડશે દંડ?
પ્રોગ્રેસિવ સ્ટુડન્ટ્સ ફોરમે શનિવારે દાવો કર્યો હતો કે સંસ્થા ચલાવવામાં વર્તમાન ટીસ વહીવટની સંપૂર્ણ નિષ્ફળતા અને ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ઉદાસીનતા છે. રાષ્ટ્રવ્યાપી પ્રવેશ પરીક્ષાઓ યોજવામાં શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી તાજેતરની ભૂલો માત્ર કેન્દ્ર સરકારની અસમર્થતામાં વધારો કરે છે, એવો આરોપ તેમણે લગાવ્યો હતો. (પીટીઆઈ)