રીલ બનાવવાની ઘેલછા ભારે પડીઃ 16 વર્ષના સગીરનું મોત

મુંબઈઃ આજકાલ યુવનોને રીલ બનાવવાનું જાણે ઘેલું લાગ્યું છે અને આવી ઘેલછામાં યુવકો જીવ ગુમાવી રહ્યા છે. નવી મુંબઈના નેરુલ રેલવે સ્ટેશન પર ઊભેલી ટ્રેનના કોચ પર ચઢીને રીલ બનાવવાનું એક 16 વર્ષના સગીરને ભારે પડ્યું હતું. રીલ બનાવતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગવાથી યુવકનું મૃત્યુ થયું હતું.
વાશી ગવર્મેન્ટ રેલવે પોલીસ (GRP)ના સિનિયર ઇન્સ્પેક્ટર કિરણ ઉન્દ્રેએ જણાવ્યું હતું કે રીલ બનાવવાના ચક્કરમાં 16 વર્ષના સગીરનું મોત થયું હતું. તેની ઓળખ નવી મુંબઈના બેલાપુરનો રહેવાસી આરવ શ્રીવાસ્તવ તરીકે કરી છે. આ સગીર છઠ્ઠી જુલાઈના પોતાના મિત્રો સાથે નેરુલ રેલવે સ્ટેશન પર ગયો હતો અને તે કચરાથી ભરેલી એક ઊભેલી ટ્રેન પર ચઢયો અને રીલ બનાવવા લાગ્યો હતો, પરંતુ તેનું ધ્યાન પૂરું હતું નહીં અને અકસ્માતનો ભોગ બન્યો હતો.
આ પણ વાંચો: વાયરલ વીડિયો: રીલ બનાવવાનો મોહ ભારે પડ્યો! કાર 300 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી
આ દરમિયાન, છોકરાનો હાથ ઉપરથી પસાર થતા વાયરના સંપર્કમાં આવ્યો. જેના કારણે તેને જોરદાર વીજળીનો આંચકો લાગ્યો અને તે નીચે પડી ગયો. તેના માથા અને શરીરના અન્ય ભાગોમાં ઘણી ઇજાઓ થઈ હતી અને તે 60 ટકા બળી ગયો હતો. જે બાદ તેને ઐરોલીની બર્ન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં છ દિવસ સુધી જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કર્યા બાદ શનિવારે રાત્રે તેનું મૃત્યુ થયું હતું.
પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને ઘટનાની તપાસ હાથ ધરી છે. આ પહેલીવાર નથી કે રીલ બનાવતી વખતે કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો હોય. આ પહેલા મહારાષ્ટ્રના સતારાથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં કેટલાક યુવાનો કાર લઈને ટેબલ પોઈન્ટ પર સ્ટંટ કરવા માટે ગયા હતા. આ દરમિયાન કાર ટેબલ પોઈન્ટ પરથી નીચે પડી ગઈ હતી. જેના કારણે સ્ટંટ કરી રહેલા યુવકનું મોત થયું હતું.