પિતાએ ફોનમાં મેસેજિંગ ઍપ ડાઉનલોડ,કરવાની ના પાડતાં પુત્રીએ જીવન ટૂંકાવ્યું

થાણે: થાણે જિલ્લામાં પિતાએ મોબાઇલ ફોનમાં મેસેજિંગ ઍપ ડાઉનલોડ કરવાની ના પાડ્યા બાદ 16 વર્ષની પુત્રીએ આત્મહત્યા કરી હતી.
ડોંબિવલીના નિલજે વિસ્તારમાં શુક્રવારે રાતે આ ઘટના બની હતી. સગીરાએ તેના મોબાઇલ ફોનમાં સ્નેપચેટ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. તેના પિતાએ આવું ન કરવાનું કહ્યું હતું, જેને કારણે તે હતાશ થઇ હતી, એમ માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
આ પણ વાંચો : ડોંબિવલીમાં વૃદ્ધાની હત્યાનો કેસ ઉકેલાયો: યુવકની ધરપકડ માથે થયેલું દેવું ચૂકવવા આચર્યો ગુનો
દરમિયાન સગીરાએ શુક્રવારે રાતે ફ્લેટના બેડરૂમમાં સીલિંગ સાથે રસ્સી બાંધીને ગળાફાંસો ખાધો હતો. બીજે દિવસે સવારે સગીરા ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
બનાવની જાણ થતાં માનપાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો. (પીટીઆઇ)