હેડફોનને કારણે રહેવાસીઓની ચેતવણી કાને ન પડી: કરન્ટ લાગતાં સગીરનું મોત

મુંબઈ: ભાંડુપમાં બનેલી આઘાતજનક ઘટનામાં વીજળીનો હાઈ ટેન્શન વાયર રસ્તા પર પડ્યો હોવાની ચેતવણી આપવા રહેવાસીઓ સતત બરાડા પાડી રહ્યા હતા, પરંતુ કાનમાં હેડફોન લગાવ્યો હોવાથી 17 વર્ષના સગીરના કાને ચેતવણી પહોંચી હતી. આખરે પાણી ભરેલા રસ્તા પરથી ચાલતી વખતે વાયરના સંપર્કમાં આવવાથી સગીરે જીવ ગુમાવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારે ભાંડુપમાં એલબીએસ રોડને અડીને આવેલા પન્નાલાલ કમ્પાઉન્ડ પરિસરમાં બની હતી. મુશળધાર વરસાદને કારણે આ માર્ગ પર પાણી ભરાયેલાં હતાં. એવામાં હાઈ ટેન્શન વાયર તૂટીને રસ્તા પર પડ્યો હતો, જે પાણીને કારણે નજરે પડતો નહોતો.
આપણ વાંચો:અલ્કા યાજ્ઞિક એકલાં નથી, અચાનક બહેરાશની સમસ્યા વકરી રહી છે, હેડફોન લગાવનારા સાવધાન
કહેવાય છે કે સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓને કરન્ટ લાગતો હોવાની જાણ થતાં તેમણે અનેક લોકોને તે અંગે ચેતવણી આપી હતી. રહેવાસીઓએ સજાગ કરતાં ઘણાના જીવ બચ્યા હતા, પરંતુ 17 વર્ષના દીપક પિલ્લૈના કાનમાં હેડફોન હોવાથી તે બેધ્યાન રહ્યો હતો.
ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં પાણી ભરેલા માર્ગ પરથી વાહનો ધીમી ગતિએ પસાર થતાં નજરે પડે છે. વરસાદને કારણે છત્રી ખોલીને દીપક પાણીમાંથી ચાલતો જતો ઘરે જઈ રહ્યો હોવાનું વીડિયોમાં દેખાય છે.
આપણ વાંચો: ઇયરબર્ડ્સ બનાવી શકે છે બહેરાં
પોલીસના જણાવ્યા મુજબ પાણીમાં વાયર પડ્યો હોવાથી કરન્ટ લાગતો હોવાની ચેતવણી આપવા રહેવાસીઓ બરાડા પાડી રહ્યા હતા તેમ છતાં દીપક ત્યાંથી પસાર થયો હતો. વાયરના સંપર્કમાં આવતાં તેને કરન્ટ લાગ્યો હતો. વીજળીનો આંચકો લાગતાં જ તે જમીન પર ફસડાઈ પડ્યો હોવાનું વીડિયોમાં નજરે પડે છે.
બેભાન દીપકને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.