માર્ગ અકસ્માત બાદ મૃત્યુ પામેલા શિક્ષકના કુટુંબને 87 લાખ વળતર ચૂકવવાનો આદેશ | મુંબઈ સમાચાર

માર્ગ અકસ્માત બાદ મૃત્યુ પામેલા શિક્ષકના કુટુંબને 87 લાખ વળતર ચૂકવવાનો આદેશ

થાણે: 2015માં ટેમ્પો સાથે મોટરસાઇકલ અથડાયાના એક વર્ષ બાદ મૃત્યુ પામેલા પંચાવન વર્ષના શિક્ષકના પરિવારજનોને 87.13 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ થાણે મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) આપ્યો છે.

સભ્ય આર. વી. મોહિતેની અધ્યક્ષતામાં ટ્રિબ્યુનલે સોમવારે આપેલા પોતાના આદેશમાં ટેમ્પોના ડ્રાઇવરને અકસ્માત માટે સંપૂર્ણપણે જવાબદાર ગણાવ્યો છે.

રાજકુમાર અસુદોમલ મોહનાની 31 જુલાઇ, 2015ના રોજ ઉલ્હાસનગરમાં પોતાની મોટરસાઇકલ પર જઇ રહ્યો હતો ત્યારે ટેમ્પો ડ્રાઇવરે અચાનક અને બેદરકારીથી ટેમ્પોનો દરવાજો ખોલ્યો હતો, જેને કારણે મોટરસાઇકલ તેની સાથે અથડાઇ હતી અને રાજકુમાર માર્ગ પર પડી ગયો હતો, એમ અરજદારોએ દાવો કર્યો હતો.

આપણ વાંચો: થાણેમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા શખસના કુટુંબને 42 લાખ વળતર ચૂકવવાનો આદેશ…

રાજકુમારને માથામાં ગંભીર ઇજા થઇ હતી અને કોમામાં સરી પડ્યા બાદ 31 જુલાઇ, 2016ના રોજ તેનું મૃત્યુ થયું હતું.
રાજકુમારની પત્ની અને સંતાનોએ એક કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું, પણ બાદમાં અરજીમાં તેમનો દાવો એક લાખ રૂપિયા સુધી મર્યાદિત રાખ્યો હતો. ટ્રિબ્યુનલે સીસીટીવી કેમેરાના ફૂટેજ સહિત પુરાવાની તપાસ કરી હતી.

સીસીટીવીમાં જોવા મળે છે કે મોટરસાઇકલસવાર ખાડાથી બચવાનો પ્રયાસ કરતી વખતે ટેમ્પોની નજીક પહોંચી ગયો. એ સમયે ટેમ્પો ડ્રાઇવરે અચાનક દરવાજો ખોલ્યો અને મોટરસાઇકસવાર નીચે પડી ગયો.

આપણ વાંચો: અકસ્માતમાં મૃત્યુ પામેલા રાહદારીના કુટુંબને 23.9 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ

એમએસીટીએ જણાવ્યું હતું કે મોટરસાઇકલનો રજિસ્ટ્રેશન નંબર, ટેમ્પોનો રજિસ્ટ્રેશન નંબર અને ટૂ-વ્હીલર સવાર સીસીટીવીમાં દેખાતા નહોતા, પરંતુ રેકોર્ડ પરના પુરાવા સાબિત કરે છે કે મૃતક મોટરસાઇકલસવાર હતો. ટેમ્પો ડ્રાઇવરે ટ્રાફિક જોયા વિના દરવાજો ખોલ્યો, જેને કારણે દરવાજો મૃતક સાથે અથડાયો અને તે નીચે પડી ગયો.

મૃતક ઉલ્હાસનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં કાયમી શિક્ષક હતો અને દર મહિને તે 63,594 રૂપિયા કમાતો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button