ભિવંડીમાં વિદ્યાર્થિનીઓને અશ્લીલ વીડિયો બતાવવા બદલ શિક્ષકની ધરપકડ
થાણે: ભિવંડીમાં પાલિકાની શાળામાં વિદ્યાર્થિનીઓને પોતાના મોબાઇલ પર અશ્લીલ વીડિયો બતાવવા બદલ શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી શિક્ષકની ઓળખ મુઝમ્મીલ તરીકે થઇ હોઇ બુધવારે તેને પકડી પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: વિરારમાં કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થિનીની જાતીય સતામણી
સાતમા ધોરણની વિદ્યાર્થિનીએ તેનાં માતા-પિતાને આરોપી શિક્ષકના કૃત્ય વિશે જાણ કર્યા બાદ ઘટના પ્રકાશમાં આવી હતી. વિદ્યાર્થિની શાળામાં મોડી જતી હતી. આવું નિયમિતપણે થતું હોવાથી શાળાના પ્રિન્સિપલે વિદ્યાર્થિનીનાં માતા-પિતાને બોલાવ્યા હતા અને વિદ્યાર્થિની મોડી કેમ આવે છે એ વિશે પૂછ્યું હતું. જોકે એ સમયે વિદ્યાર્થિનીએ કાંઇ પણ કહ્યું નહોતું, એમ શાંતિનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિનાયક ગાયકવાડે જણાવ્યું હતું.
દરમિયાન વિદ્યાર્થિની ઘરે આવ્યા બાદ તેણે માતા-પિતાને જણાવ્યું હતું કે શાળાના શિક્ષકે પોતાના મોબાઇલ પર તેને અશ્લીલ વીડિયો બતાવ્યો અને તેની સાથે ગેરવર્તન કર્યું હોવાથી તેને શાળામાં જવાનું મન થતું નથી. શિક્ષકે આવું અન્ય વિદ્યાર્થિનીઓ સાથે પણ કર્યું હોવાનું તેણે માતા-પિતાને જણાવ્યું હતું.
આની જાણ થયા બાદ વિદ્યાર્થિનીનાં માતા-પિતાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને શિક્ષકની ધરપકડ કરી હતી, એમ પણ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)