
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાને પાણી પુરવઠો કરનારા સાત જળાશયોમાનું એક તાનસા બુધવારે સાંજે છલકાઈ ગયુંં હતું. આ અગાઉ નવ જુલાઈના મિડલ વૈતરણા છલકાઈ ગયું હતું. એ સાથે જ મુંબઈને પાણી પુરવઠો કરનારા સાતેય જળાશયોમાં ૮૭ ટકા પાણીનો સ્ટોક જમા થઈ ગયો છે.
મુંબઈ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં ચોમાસું ફરી સક્રિય થયું છે. મુંબઈને પાણી પુરવઠો કરનારા સાતેય જળાશયોના કેચમેન્ટ એરિયામાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે. તેને પગલે બુધવારે સાંજે પાંચ વાગીને ૪૦ મિનિટે તાનસા તળાવ છલકાઈ ગયું હતું. આ અગાઉ જુલાઈના પહેલા અઠવાડિયામાં પણ જળાશયોના કેચમેન્ટ એરિયામાં પડેલા મુશળધાર વરસાદને પગલે સાત જુલાઈના મિડલ વૈતરણાના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ નવ જુલાઈ, ૨૦૨૫ના રોજ તે છલકાઈ ગયું હતું. થાણે જિલ્લાના શહાપૂર તાલુકામાં આવેલા તાનસા જળાશય એ સૌથી જૂનામાં જૂનો બંધ માનવામાં આવે છે.

પાણીપુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ કેચમેન્ટ એરિયામાં ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાથી જળાશયોની સપાટીમાં વધારો થયો છે. બુધવારે સવારે છ વાગે સાતેય જળાશયોમાં તેની કુલ ક્ષમતાના ૮૬.૮૮ ટકા પાણીનો સ્ટોક જમા થઈ ગયો હતો. બુધવારે સાંજે છલકાઈ ગયેલા તાનસાની પાણી સમાવવાની ક્ષમતા ૧૪,૫૦૮ કરોડ લિટર (૧,૪૫,૦૮૦ મિલ્યન લિટર) જેટલી છે.
તાનસા જળાશય ગયા વર્ષે ૨૪ જુલાઈ, ૨૦૨૪ના રોજ વહેલી સવારના ૪.૧૬ વાગે છલકાયું હતું. ૨૦૨૩ની સાલમાં ૨૬ જુલાઈના વહેલી સવારના ૪.૩૫ વાગે તો ૨૦૨૨માં ૧૪ જુલાઈના રાતના ૮.૫૦ વાગે અને ૨૦૨૧ની સાલમાં ૨૨ જુલાઈના વહેલી સવારના ૪.૫૮ વાગે છલકાયું હતું.