મોદી ગતિશક્તિનું પ્રતિક: એકનાથ શિંદે
મોદીના કામમાં પ્રભુ રામ અને બાબાસાહેબનું બંધારણ: એકનાથ શિંદે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર મુંબઈમાં આવ્યા ત્યારે મુખ્ય પ્રધાને કરી પ્રશંસા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારતના ત્રીજી વખત વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલીવાર મુંબઈની મુલાકાત લીધી હતી. ગોરેગાંવ મુલુંડ લિંક રોડ સહિત 29 હજાર કરોડના વિવિધ વિકાસ કાર્યોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ/ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ત્રીજી વખત વડાપ્રધાન બનવા પર મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે પ્રભુ રામ અને બાબાસાહેબનું બંધારણ મોદીના કામમાં જોવા મળે છે. તેમણે વડા પ્રધાનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેઓ ગતિશક્તિનું પ્રતિક છે.
મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું હતું કે વડા પ્રધાનપદનો કાર્યભાર સંભાળ્યા બાદ મોદી પહેલીવાર મુંબઈ આવ્યા છે. હું મહારાષ્ટ્રના 13 કરોડ લોકો વતી તેમનું સ્વાગત કરું છું. વડા પ્રધાન મોદી હેટ્રિક કરનારા સૌથી સફળ અને લોકપ્રિય સિદ્ધ થયા છે.
તેમના કુશળ નેતૃત્વમાં ભારતે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. અમે ઈચ્છીએ છીએ કે તેમના નેતૃત્વમાં દેશ બમણી ઝડપે આગળ વધે. અમને આનંદ થાય છે કે રશિયાના સર્વોચ્ચ પુરસ્કાર આપનારાએ તમારી નોંધ લીધી છે. તમારા કારણે
દેશનું ગૌરવ સમગ્ર વિશ્ર્વમાં ફેલાઈ રહ્યું છે.
લોકસભા અને ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટે એક જ નામ હતું અને તે હતું નરેન્દ્ર મોદી. વિરોધીઓએ ફેક નેરેટિવ ફેલાવીને તેમને હરાવવા માટે શક્ય તેટલું બધું કર્યું હતું. બંધારણ બદલી નાખવામાં આવશે એમ પણ કહ્યું હતું. જુઠાણાની ઉંમર ઓછી હોય છે.
વિપક્ષે પરાજયની હેટ્રિક ફટકારી અને પછી પેડા વહેંચ્યા, પરંતુ 100 બેઠકો જીતવાની તમારી ઓકાત નથી અને પેડા શેના વહેંચો છો? એવો ટોણો તેમણે કૉંગ્રેસના નેતાઓને લગાવ્યો હતો.
મોદીજી તમારા કામમાં પ્રભૂ રામ છે. તમારી સાથે બાબાસાહેબ આંબેડકરનું બંધારણ છે. એનર્જી, કમિટમેન્ટનો એક જ અર્થ છે, મોદીજી. રાજ્યની મહાયુતિ સરકારે છેલ્લા બે વર્ષમાં જે મૂળભૂત સુવિધાનું જાળું તૈયાર કર્યું છે તે ફક્ત વડા પ્રધાન મોદીના પીઠબળને કારણે શક્ય બન્યું છે. મોદી એક ગતિ શક્તિનું પ્રતિક છે એમ પણ તેમણે કહ્યું હતું. થાણે-બોરીવલી પ્રોજેક્ટ ઘણા વર્ષોથી મારા ધ્યાનમાં હતો અને આજે વડા પ્રધાનને કારણે તે શક્ય બન્યું છે.