આમચી મુંબઈ

કાંદિવલીની એસવીપી શાળાના વાલીઓને રાહત: ફી વધારો ઘટાડ્યો

1,500 રૂપિયાનો ઘટાડો: 8,500 રૂપિયાની ફી બે હપ્તામાં ભરી શકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈના કાંદિવલીની અત્યંત પ્રતિષ્ઠિત કાંદિવલી એજ્યુકેશન ટ્રસ્ટ (કેઈએસ) દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય (એસવીપી) સ્કૂલની ફીમાં આગામી શૈક્ષણિક વર્ષથી ફીમાં થઈ રહેલા વધારાને કારણે વાલીઓને તકલીફ પડી રહી હોવાથી વાલીઓના પ્રતિનિધિમંડળને મળ્યા બાદ શાળાના સંચાલકોએ દ્વારા તેમની માગણીઓ પર વિચાર કરવાની ખાતરી આપવામાં આવી હતી અને તેને પગલે ફી વધારામાં 1500 રૂપિયાનો કાપ મૂકવામાં આવ્યો હતો.
વાલીઓ દ્વારા ‘મુંબઈ સમાચાર’ને એવી માહિતી આપવામાં આવી હતી કે વિદ્યાર્થીઓની ફીમાં 4000 રૂપિયાના જંગી વધારા સામે એક વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વાલીઓને ઘટતું કરવાની ખાતરી આપવામાં આવી હતી. મંગળવારે સ્કૂલ દ્વારા બુધવાર સુધીમાં ફી ભરી નાખવાની તાકીદ કરવામાં આવી હતી. કેટલાક વાલીઓ સ્કૂલમાં પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે પ્રસ્તાવિત 6,600 રૂપિયાની ફીને બદલે તેમને 8,500 ભરવા જણાવવામાં આવ્યું હતું.

આ ફી પણ પરવડી શકે એવી ન હોવાથી નારાજગી વ્યક્ત કરવા માટે સેંકડો વાલીઓ મંગળવારે બપોરે શાળા પાસે એકઠા થયા હતા. કાંદિવલી વિસ્તારની આ જાણીતી સ્કૂલમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ નિમ્ન મધ્યમ-વર્ગ અને ગરીબ વર્ગમાંથી આવે છે અને આટલો જંગી ફી-વધારો તેમને પરવડી શકે તેમ ન હોવાથી સંચાલકોની મુલાકાત લઈને રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કાંદિવલીની એસવીપી સ્કૂલ ફી વધારા વિશે ફેરવિચાર કરશે…

મેનેજમેન્ટનું શું કહેવું છે?

શાળા દ્વારા કરવામાં આવેલા ફી-વધારા અંગે પૂછવામાં આવતા સંચાલક મંડળ દ્વારા ‘મુંબઈ સમાચાર’ને જણાવવામાં આવ્યું હતું કે સ્કૂલના 2200 વિદ્યાર્થીઓમાંથી 100 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને ફી વધારા સામે હજી વિરોધ હોવાનું બુધવારે જોવા મળ્યું હતું. વાલીઓની અગવડને ધ્યાનમાં રાખીને 4000 રૂપિયાના પ્રસ્તાવિત ફી વધારામાં 1500 રૂપિયાનો કાપ મૂકવામાં આવ્યો હતો. હવે વિદ્યાર્થીઓને ફક્ત 8,500 રૂપિયાની ફી ભરવાની આવશે, જેની સામે તેમને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે. દરેક બાળકનું ઓવરઓલ ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આવી સુવિધા આપતી અન્ય સ્કૂલોની ફી લાખોમાં થાય છે, જ્યારે અમારી સ્કૂલના વિદ્યાર્થીઓને આ સુવિધા ફક્ત 8,500ની ફીમાં મળવાની છે.
એસવીપી સ્કૂલમાં જે રીતની ઓવરઓલ ડેવલપમેન્ટ માટેની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે તેની સરખામણી અન્ય સ્કૂલો સાથે કરવામાં આવે તો માસિક બે-ચાર હજારનો ખર્ચ થતો હોય છે, પરંતુ આપણી સ્કૂલમાં આવો કોઈ વધારાનો ખર્ચ વિદ્યાર્થીઓ પર નાખવામાં આવતો નથી.

અત્યારે સ્કૂલ દર વર્ષે લગભગ એક-દોઢ કરોડની ખોટમાં ચાલી રહી છે, આમ છતાં સંચાલકો વિદ્યાર્થીઓના હિતને વરેલા હોવાથી આ બોજ વિદ્યાર્થીઓ પર નાખવામાં આવ્યો નથી.

મેનેજમેન્ટ દ્વારા એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફી બુધવાર સુધી ભરી નાખવાની તાકીદ કરવામાં આવી હોવા છતાં સ્કૂલના વર્તમાન બધા જ વિદ્યાર્થીઓને 31 મે સુધીમાં ફી ભરશે તો પણ આગલા વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે. જે વાલીઓ એકસાથે ફી ભરી શકતા ન હોય તેમને બે ભાગમાં ફી ભરવાની સુવિધા પણ આપવામાં આવશે.

સંસ્થા દ્વારા વિદ્યોત્તેજક ફંડ ચલાવવામાં આવે છે અને તેમાંથી અત્યંત ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી આપવામાં આવશે એવી ધરપત પણ વાલીઓને આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button