આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

એકનાથ શિંદે જ્યારે ગામ ચાલ્યા જાય છે ત્યારે…ભાજપની ચિંતા વધી

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં 2019 જેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. સ્પષ્ટ બહુમતીને બદલે જંગી બહુમતી હોવા છતાં હજુ સુધી મુખ્ય પ્રધાનપદ પર કોણ બેસશે, તે નક્કી થઈ શક્યું નથી. રાજ્યના કાર્યકારી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેર કરી દીધું હતું કે તેઓ આ રેસમાંથી બહાર નીકળી ગયા છે ત્યારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું નામ લગભગ નક્કી હતું અને 2જી ડિસેમ્બરે તેમના શપથની ચર્ચાઓ ચાલતી હતી.

ત્યારે હજું પણ દિલ્હીમાં બેઠકો ચાલી રહી છે અને કોકડું ગૂંચવાયેલું જ લાગે છે. એવામાં એક ઘટના બની છે જે ભાજપની ઊંઘ ઉડાડી દે તેવી છે.

શિંદે ચાલલે ગાંવાકડે
શુક્રવારે મુંબઈ ખાતે મહાયુતીની બેઠક હતી, પરંતુ અચાનક એકનાથ શિંદે પોતાના ગામ દરેગાંવ જવા ઉપડી જતા આ બેઠક પર કરવી પડી હતી. તેવામાં શિંદેના નજીકના નેતાએ કહ્યું કે શિંદે જ્યારે ગામ જાય છે ત્યારે તેઓ ખૂબ જ મોટો અને સાહસી નિર્ણય લે છે. તેમની મુંઝવણ દૂર કરવા અને નિર્ણય લેવા તેઓ ગામ જાય છે. આ વાત ભાજપ માટે મોટી ઉપાધિ લાવનારી પણ સાબિત થઈ શકે છે. એક તો શિંદે શરદ પવારની એનસીપીના નેતા જીતેન્દ્ર આવ્હાડને મળ્યા હોવાથી ફરી નવા સમીકરણો રચાવાની સંભાવનાઓ દર્શાવાઈ રહી છે.

શિંદેસેનાને શું જોઈએ છે ?
શિવસેનામાંથી છુટ્ટા પડી એકનાથ શિંદેએ 2022માં ભાજપ સાથે જોડાણ કરી સત્તા સ્થાપી અને મુખ્ય પ્રધાન બન્યા. 2024ની ચૂંટણી તેમની આગેવાનીમાં જ લડાઈ અને તેમના 81માંથી 57 વિધાનસભ્ય ચૂંટાઈ આવ્યા. હવે શિંદેસેનાને મુખ્ય પ્રધાનપદથી ઓછું કંઈ ખપે તેમ નથી. એકનાથ શિદેએ વડા પ્રધાન અને અમિત શાહના નિર્ણયને સર્વોપરી માની ચાલવાની જાહેરાત તો કરી, પરંતુ તેમના નેતાઓને આ વાત માન્ય નથી. તેઓ શિંદેને નાયબ મુખ્ય પ્રધાનપદે જોવા માગતા નથી અને અઢી વર્ષ મુખ્ય પ્રધાન તરીકે રહે તે પણ તેમને મંજૂર નથી. આથી શિંદે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો…મહારાષ્ટ્રની રાજનીતિના મેન્ટર બનશે શિંદે! કન્વીનર પદ પર છે નજર!

રવિવારે બેઠક થશે ?
શુક્રવારે જે બેઠક મુંબઈ ખાતે યોજાવાની હતી જે શિંદેની ગેરહાજરીને લીધે મુલતવી રાખવાની ફરજ ભાજપ-એનસીપીને પડી હતી. હવે આ બેઠક રવિવારે થવાની સંભાવના છે. શિંદે ગામથી પરત ફરી શું નિર્ણય લે છે અને આ બેઠકના અંતે કોઈ નિવેડો આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.

અગાઉ જે શપથવિધિ સોમવારે થવાની સંભાવના હતી તે હવે 5મી ડિસેમ્બર સુધી ઠેલાઈ તેવી શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button