જાદુટોણાની શંકા પરથી વૃદ્ધને સળગતા કોલસા પર ચાલવાની ફરજ પડાઈ
થાણે: થાણે જિલ્લાના મુરબાડ ખાતે બનેલી આંચકાજનક ઘટનામાં જાદુટોણાનો અભ્યાસ કરતા હોવાની શંકા પરથી ગામવાસીઓએ 75 વર્ષના વૃદ્ધને સળગતા કોલસા પર નૃત્ય કરાવી ચાલવાની ફરજ પાડી હતી. આ પ્રકરણે વૃદ્ધની પુત્રીની ફરિયાદને આધારે પોલીસે નવ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ મુરબાડ તાલુકાના કેરવેળે ગામમાં ચોથી માર્ચે બનેલી ઘટનામાં લક્ષ્મણ ભાવાર્થેને પગ અને પીઠ પર ઇજા થઈ હતી. સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
સંબંધિત ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં અમુક લોકોએ વૃદ્ધના હાથ પકડી રાખ્યા છે અને એકઠા થયેલા લોકોનો ઘોંઘાટ સંભળાય છે. વૃદ્ધને સળગતા કોલસા પર નૃત્ય કરાવ્યા પછી તેના પર ચાલવાની ફરજ પાડવામાં આવતી હોવાનું વીડિયોમાં નજરે પડે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઘટનાની રાતે ગામના મંદિર નજીક જાગરણનો કાર્યક્રમ હતો. એ દરમિયાન 15થી 20 જણ વૃદ્ધના ઘરમાં ઘૂસ્યા હતા. વૃદ્ધને જબરદસ્તી ઘરમાંથી બહાર કાઢી કાર્યક્રમના સ્થળે લાવવામાં આવ્યા હતા બાદમાં સળગતા કોલસા પર ચાલવાની ફરજ પડાઈ હતી, એમ મુરબાડ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર પ્રમોદ બાબરે જણાવ્યું હતું.
ગામવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે વૃદ્ધ જાદુટોણા કરતા હોવાથી તેને આ રીતે સજા આપવામાં આવી હતી. એ સમયે વૃદ્ધની મારપીટ પણ કરાઈ હતી. આ પ્રકરણે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 452, 323, 324, 341, 143 અને 147 તેમ જ બ્લૅક મૅજિક ઍક્ટ હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. (પીટીઆઈ)