ઉદ્ધવ ઠાકરેને લાગ્યો ઝટકો, સુશીલ કુમાર શિંદેએ આપ્યું અપક્ષને સમર્થન

મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાનમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદે અને તેમની પુત્રી પ્રણિતી શિંદેએ સોલાપુર દક્ષિણ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધરમરાજ કાદાડીને સમર્થન આપ્યું છે. અહીંથી મહા વિકાસ આઘાડી ગઠબંધનનો ભાગ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પોતાના ઉમેદવારને ઉતાર્યો હતો, એવા સમયે શિંદેના નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે.
Also Read – નાશિકના વિધાનસભ્ય સુહાસ કાંડે સમીર ભુજબળના સમર્થકો વચ્ચે થઇ અથડામણ પછી…
આજે સુશીલ કુમાર શિંદે અને તેમની પુત્રી મતદાન કરવા ગયા હતા. જ્યારે તેઓ મત આપીને બૂથની બહાર આવ્યા ત્યારે તેમણે અપક્ષ ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. પોતાના આવા વલણ વિશે માહિતી આપતા શિંદેએ જણાવ્યું હતું કે ધરમરાજ કાદાડી એક સારા ઉમેદવાર છે અને આ વિસ્તારના ભવિષ્ય માટે તેઓ ચૂંટાય તે સારી વાત છે.
હકીકતમાં શરૂઆતમાં અહીંથી કૉંગ્રેસ દિલીપ માનેને તક આપે એમ માનવામાં આવતું હતું, પરંતુ તેમને તક મળી નહોતી. આ બેઠક શિવસેના (યુબીટી)ને ફાળે ગઇ હતી. આ પહેલા પણ શિંદેએ આ સીટ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ફાળે જવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
કૉંગ્રેસ અહીં મજબૂત આધાર ધરાવે છે. આવા સંજોગોમાં આ બેઠક ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ફાળે જાય તે ખોટું છે. આ વિસ્તાર કૉંગ્રેસનો ગઢ રહ્યો છે અને હું અહીંથી ચૂંટાયો છું. મને મહારાષ્ટ્રના સીએમ તરીકે કામ કરવાની તક મળી છે. શિવસેનાએ ઉતાવળે આ બેઠક પરથી તેમની ઉમેદવારી જાહેર કરી દીધી, પણ આ બેઠક કૉંગ્રેસને ફાળે આવવી જોઇતી હતી. કૉંગ્રેસે આ બેઠક સતત જાળવી રાખી છે અને જીતી રહી છે.
આ સ્થિતિમાં સુશીલ કુમાર શિંદેની પુત્રીએ પણ પિતાની વાત સાચી ગણાવી હતી અને ધરમરાજ કાદાડીને સમર્થન આપ્યું હતું.