ક્લોઝર રિપોર્ટમાં સુશાંતસિંહની આત્મહત્યા, પણ રાણે-ઠાકરેના એકબીજા પર આક્ષેપો

મુંબઈઃ સીબીઆઈ દ્વારા સુશાંતસિંહના મોત મામલે ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યો છે. આ રિપોર્ટ વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટ આ રિપોર્ટ સ્વીકારે છે કે પછી હજુ કોઈ તપાસનો આદેશ આપે છે, તે અલગ વાત છે, પરંતુ સીબીઆઈના રિપોર્ટ અનુસાર સુશાંતસિંહે આત્મહત્યા જ કરી હતી અને તેના મોતનું કારણ બીજું કોઈ નથી. સુશાંતને ઝેર આપવામાં આવ્યું, તેનું ગળુ દબાવવામાં આવ્યું વગેરે અહેવાલો આવ્યા હતા. આ બધા અહેવાલોમાં કોઈ તથ્ય ન હોવાનું સીબીઆઈએ સાફ કહી દીધું છે.
જોકે મહારાષ્ટ્રમાં સીબીઆઈના અહેવાલ પહેલાથી સુશાંતસિંહના મૃત્યુનો મુદ્દો ફરી ગરમાયો છે. Sushantsinh Rajputની મેનેજર દિશા સાલિયનના મૃત્યુ મામલે તેનાં પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરેલી પિટિશનને લીધે મામલો ગરમાયો છે.
દિશાની કથિત રીતે હત્યા થઈ અને તેમાં વિધાસસભ્ય આદિત્ય ઠાકરેનો પણ હાથ હોવાની થિયરી ત્યારે પણ ચર્ચાના ચકડોળે ચડી હતી. હવે ફરી આ મુદ્દે ધમાસાણ થયું છે.
રાણે અને ઠાકરે આમને સામને
શિવસેના સુપ્રીમો બાળ ટાકરેની હયાતીમાં જ નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેનો ખટરાગ જગજાણીતો છે, જે બીજી પેઢમાં પણ ચાલે છે. નારાયણ રાણેનો દીકરો નીતેશ રાણે મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન છે અને વિધાનસભામાં તેણે આદિત્ય ઠાકરે સામે આક્ષેપો કર્યા છે. તેમાં ગઈકાલે નારાયણ રાણેએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે દિશા સાલિયન કેસમાં આદિત્યનું નામ ન લેવા ઉદ્ધવ ઠાકરેએ તેમને બે વાર ફોન કર્યા હતા. હવે આજે શિવેસના યુબીટીના પ્રવક્તા સંજય રાઉતે દાવો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરે વિરુ્દ્ધ બોલવા બદલ જ્યારે નારાયણ રાણેને જેલભેગા કરવામાં આવ્યા હતા ત્યારે રાણેના પરિવારે તેમને ફોન કરી જણાવ્યું હતું કે રાણેની તબિયત બરાબર નથી આથી, તેમનું ધ્યાન રાખવામાં આવે અને સાથે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પણ રાણેને છોડી દેવા ફોન કર્યો હતો.
હવે કોણે કોને ફોન કર્યો ને કોણે કોની માટે શું કર્યું તે તો આપણને ખબર નથી, પરંતુ સુશાંતસિંહના મૃત્યુના પ્રકરણને રાજકારણીઓ છોડવા માગતા નથી તે વાત સ્પષ્ટ થાય છે.