સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ: રિયા ચક્રવર્તી વિરુદ્ધ જારી લૂકઆઉટ સર્ક્યુલર હાઇ કોર્ટે રદ કર્યું
મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસના સંબંધમાં સીબીઆઇ દ્વારા અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેના ભાઇ અને પિતા વિરુદ્ધ જારી કરાયેલું લૂકઆઉટ સર્ક્યુલર (એલઓસી) મુંબઈ હાઇ કોર્ટે ગુરુવારે રદ કર્યું હતું.
જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને મંજુષા દેશપાંડેની ખંડપીઠે રિયા ચક્રવર્તી, તેના ભાઇ શોવિક અને પિતા ઇન્દ્રજીતે તેમની સામે 2020માં જારી એલઓસીને રદ કરવા માટે કરેલી અરજીને સ્વીકારી હતી.
સીબીઆઇના એડવોકેટ શ્રીરામ શિરસાટે ચાર સપ્તાહ માટે આદેશના અમલ સામે સ્ટે આપવાની ખંડપીઠને વિનંતી કરી હતી, જેથી એજન્સી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે. જોકે હાઇ કોર્ટની ખંડપીઠે આદેશ સામે સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 202ના રોજ બાંદ્રામાં પોતાના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.
મુંબઈ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી, જ્યારે રાજપૂતના પિતાએ જુલાઇ, 2020માં બિહાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોતાના પુત્રને ગર્લફ્રેન્ડ રિયા અને તેના પરિવારજનોએ આત્મહત્યા માટે પ્રવૃત્ત કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ કેસ બાદમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને સોંપવામાં આવ્યો હતો અને ત્યારથી સીબીઆઇ તેની તપાસ કરી રહી છે.
ઑગસ્ટ, 2020માં રિયા ચક્રવર્તી, તેના ભાઇ અને પિતા વિરુદ્ધ એલઓસી જારી કરાયું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હાઇ કોર્ટે શોવિક વિરુદ્ધ જારી એલઓસી પર હંગામી સસ્પેન્શન મંજૂર કર્યું હતું, જેથી વિદેશપ્રવાસનો તેનો માર્ગ મોકળો બન્યો હતો.
2020માં સુશાંત સિંહ રાજપૂત સંબંધી ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી) દ્વારા રિયા અને શોવિકની ધરપકડ કરવામાં આવી હતી. બંનેને બાદમાં જામીન મળ્યા હતા. (પીટીઆઇ)