હીરાવેપારી સાથે 1.81 કરોડ રૂપિયાની છેતરપિંડી: સુરતના ઝવેરી સામે ગુનો…

મુંબઈ: પ્રતિષ્ઠિત ગ્રાહકને હાઈ ક્વૉલિટીના ડાયમંડ્સ ખરીદવાની ઇચ્છા હોવાનું કહીને મુંબઈના હીરાવેપારી સાથે 1.81 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ સુરતના ઝવેરી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે રાજેશ બેચરભાઈ વિઠાણીની ફરિયાદને આધારે બુધવારે સુરતના જ્વેલર રાજેશકુમાર શર્મા (50) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
એક ડાયમંડ ટ્રેડિંગ કંપનીના પાર્ટનર વિઠાણીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે શર્માએ માર્ચ મહિનામાં તેમનો સંપર્ક સાધ્યો હતો. પોતાની પાસે એક પ્રતિષ્ઠિત ગ્રાહક છે, જે હાઈ ક્વૉલિટીના હીરા ખરીદવા ઇચ્છુક હોવાનો દાવો શર્માએ કર્યો હતો.
બાદમાં વિશ્વાસ સંપાદન કરીને શર્માએ ગ્રાહકને બતાડવાને બહાને ફરિયાદી પાસેથી 1.81 કરોડ રૂપિયાના હીરા લીધા હતા.
જોકે વારંવાર સંપર્ક સાધવા છતાં શર્માએ હીરાની કિંમત ચૂકવી નહોતી અને હીરા પણ પાછા આપ્યા નહોતા. આરોપી નાણાં ચૂકવવા માટે સતત બહાનાં કરતો હોવાથી ફરિયાદીને શંકા ગઈ હતી. આખરે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસ આ પ્રકરણે વધુ તપાસ કરી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)
આ પણ વાંચો…ચાર ડાયમંડ કંપનીને 5.13 કરોડનો ચૂનો ચોપડી હીરાવેપારી રફુચક્કર…