સિનિયર પવાર પર કટાક્ષ કરતા ‘Supriya Sule’ ભાઈ અજિત પવાર પર ભડક્યા
પુણે: રાષ્ટ્રવાદી કોંગ્રેસના બંને જૂથ વચ્ચે શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું છે. અજિત પવારે જ્યાં શરદ પવારની ઉંમરને લઇને તેમના પર નિશાનો સાધ્યો હતો ત્યાં તેમનો ભત્રીજો રોહિત પવાર અને એનસીપી નેતા સુપ્રિયા સુલેએ પણ અજિત પવાર પર પલટવાર કર્યો છે. વિધાનસભ્ય રોહિત પવારે અજિત પવાર જૂથની નિંદા કરી છે. અને જ્યારે અજિત પવારે તેનો જવાબ આપ્યો તો રોહિત પવારને બચવવા તેના ફોઇ સુપ્રિયા સુલે મેદાનમાં આવી ગયા છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે તેમના કાકા શરદ પવારની ઉમંર બાબતે તેમના પર પરોક્ષ રીતે હુમલો કર્યો હતો. એક ઉંમર થયા બાદ રોકાવુ પડે છે. આ તો વર્ષોથી ચાલતી પરંપરા છે. પણ કેટલાંક લોકો સાંભળવા તૈયાર જ નથી. જીદ કરે છે. લોકો 58 વર્ષે રાજ્ય સરકારમાંથી નિવૃત્ત થાય છે. કેટલાંક લોકો 60 તો કેટલાંક 65 વર્ષે પણ નિવૃત્ત થઇ જાય છે. તો કેટલાંક 70ની ઉમંરમાં નિવૃત્તિ લે છે. પણ 80 અને 84 થયા બાદ પણ આ માણસ નિવૃત્ત નથી થતો. આ શું ચાલી રહ્યું છે? એમ અજિત પવારે કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, હું ખોટો હોઉ તો મને કહો. મેં 5 થી 7 વાર રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે પદ સંભાળ્યું છે. માતા-બહેનો માટે સારી યોજનાઓ લાવ્યા છીએ. મહાયુતિ સરકારે ઘણાં સારા નિર્ણયો પણ લીધા છે.
અજિત પવારના આ નિવેદન બાદ રોહિત પવારે તેમની નિંદા કરી હતી. ત્યારે અજિત પવારે રોહિત પવારની આ વાતને પણ ઉડાવી દેતાં અજિત પવારે કહ્યું કે, રોહિત પવાર હજી બાળક છે. એ એટલો વરિષ્ઠ નથી કે હું એને જવાબ આપું. એક પાર્ટી કાર્યકર્તા નહીં તો અમારા પ્રવક્તા એનો જવાબ આપશે.
ત્યારે હવે રોહિતના બચાવમાં ફોઇ સુપ્રિયા સુલે મેદાનમાં ઉતર્યા છે. તેમણે કંહ્યું કે, અજિત પવારની તિખી ટિપ્પણીઓને કોઇએ આટલી ગંભરતાથી ન લેવું જોઇએ. બોલો એક કાકા પોતાના ભત્રીજાને આવું બોલી શકે? અજિત પવાર પણ હવે સિનિયર સિટીઝન બની બની ગયા છે. કારણ કે તે જાતે 65 વર્ષના થઇ ગયા છે.