સુપ્રિયા સુળે અચાનક પહોંચ્યા રાજકીય હરિફ અજિત પવારના ઘરે!
મતદાન બાદ સુપ્રિયા સુળેએ અજિત પવારના માતાના લીધા આશીર્વાદ
મુંબઈ: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન બારામતી બેઠક માટે પણ મતદાન યોજવામાં આવ્યું હતું અને આ બેઠક પરની ચૂંટણી અત્યંત રસાકસી ભરેલી માનવામાં આવે છે. કારણ કે શરદ પવારનો ગઢ માનવામાં આવતી આ બેઠક પર આ વખતે પવાર કુટુંબ વચ્ચે જ ચૂંટણીનો જંગ જામેલો છે.
આ બેઠક પરથી શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પત્ની સુનેત્રા પવાર ઉમેદવાર છે. જોકે, નણંદ ભાભી વચ્ચેની આ જંગ દરમિયાન રસપ્રદ વાત બની હતી.
ચૂંટણીમાં એકબીજા વિરુદ્ધ હોવા છતાં સુપ્રિયા સુળે અજિત પવારના માતા તેમ જ પોતાના હરિફ સુનેત્રા પવારના સાસુના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ સુપ્રિયા સુળે બારામતીના કાતેવાડી વિસ્તારમાં આવેલા અજિત પવારના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં અજિત પવારના માતા આશાકાકીના આશીર્વાદ લીધા હતા.
આ મારી કાકીનું ઘર છે અને હું તેમના આશીર્વાદ લેવા આવી છું. દેવેન્દ્ર ફડણવીસે આ મુલાકાત વિશે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેઓ ફક્ત રાજકીય હરિફ છીએ, એકબીજાના દુશ્મન નથી. તે(સુપ્રિયા સુળે) અજિત પવારના બહેન છે. આ એક ભાવનાત્મક પગલું હતું અને જોઇએ કે તેનું શું પરિણામ આવે છે.