સુપ્રિયા સુળેએ પુણેના વરસાદ પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું: માળખાકીય સુવિધાની ઉપેક્ષા બદલ સરકારની ઝાટકણી કાઢી

પુણે: નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના સાંસદ સુપ્રિયા સુળેએ મંગળવારે પુણે શહેરના એવા વિસ્તારોની મુલાકાત લીધી જ્યાં ગયા અઠવાડિયાના ભારે વરસાદ પછી પાણી ભરાવા અને અન્ય વરસાદ સંબંધિત સમસ્યાઓ જોવા મળી હતી અને પછી સરકાર બેજવાબદાર હોવાની ટીકા કરી હતી.
બારામતીના સાંસદ સુપ્રિયા સુળેએ મોડેલ કોલોની, સિંહગઢ રોડ, વડગાંવ અને કાત્રજ વિસ્તારની મુલાકાત લીધી હતી.
પુણે શહેરમાં શનિવારે સાંજે મુશળધાર વરસાદ પડ્યો હતો. શિવાજી નગર વિસ્તારમાં સાંજે 5:30 થી 8:30 દરમિયાન 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.
પત્રકારો સાથે વાત કરતા સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે શહેર વધતી ગુનાખોરી સહિત અનેક સંકટનો સામનો કરી રહ્યું છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા યોગ્ય પ્રતિસાદ આપવામાં આવતો નથી.
આ પણ વાંચો : Mumbai Ahmedabad Highwayનું કામ ‘ખરાબ’: આંદોલન કરીને સ્થાનિકોએ ભર્યું આ પગલું
તેમણે એવો દાવો કર્યો હતો કે, એક તરફ ગુના વધી રહ્યા છે, શહેરમાં ડ્રગ્સ સંબંધિત ગુનાઓ આચરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ વહીવટીતંત્ર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થગિત થઈ રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, પૂણે કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો એક ભાગ છે, પરંતુ અતિક્રમણને કારણે વરસાદનું પાણી લોકોના ઘરમાં ઘૂસી રહ્યું છે. તેમણે સરકાર પાસે જળાશયો પર અતિક્રમણ કરનારાઓ સામે પગલાં લેવાની માગણી કરી હતી.
તેમણે કહ્યું હતું કે પુણેના રહેવાસીઓ કર ચૂકવે છે અને હવે તેઓ સરકાર પાસેથી માળખાકીય સુવિધાઓ પડી ભાંગવા અંગે જવાબદેહીની અપેક્ષા રાખે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાથે ઉપરોક્ત બધા વિષયો પર ચર્ચા કરવા માટે જઈ રહ્યાં છે.
ભારતીય જનતા પાર્ટી અને મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિ ગઠબંધન પર કટાક્ષ કરતા સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે, કોઈએ તો બોલવું પડશે કારણ કે બાકી બધા તો રાજકીય પક્ષોને અને પરિવારોને તોડવામાં વ્યસ્ત છે. હવે તેમને લોકસભામાં ગયા વખત કરતાં ઓછી બેઠકો મળી છે તેથી તેઓ ગણતરી વધારવામાં વ્યસ્ત રહેશે. તેમની પાસે સંખ્યાબળ વધારવા માટે તો સમય છે, પરંતુ તેમને મત આપનારા લોકોની કાળજી કરવા માટે નથી. (પીટીઆઈ)